પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રતિષ્ઠા વધી. 'છેવટે હિંદીઓ સામ્રાજ્યના વારસ તો છે જ' એવાં ગીતો ગવાયાં. જનરલ બુલરે અમારી ટુકડીના કાર્યની ખરીતામાં તારીફ કરી. મુખીઓને લડાઈના ચાંદ પણ મળ્યા.

હિંદી કોમ વધારે સંગઠિત થઇ. હું ગિરમીટિયા હિંદીઓના પ્રસંગમાં ઘણો વધારે આી શક્યો. તેમનામાં વધારે જાગૃતિ આવી. અને હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, મદ્રાસી, ગુજરાતી, સિંધી બધા હિંદી છીએ એ લાગણી વઘારે ર્દઢ થઇ. સહુએ માન્યું કે હવે હિંદીઓ ઉપરનાં દુ:ખ દૂર થવાં જ જોઇએ. ગોરાઓની વર્તણૂકમાં પણ તે વખતે તો ચોખ્ખો ફેરફાર જણાયો.

લડાઇમાં જે ગોરાઓનો પ્રસંગ પડ્યો તે મીઠો હતો. હજારો 'ટોમી'ઓના સહવાસમાં અમે આવ્યા. તેઓ અમારી સાથે મિત્રભાવે વર્તતા ને અમે તેમની સેવા સારુ હતા એ જાણી ઉપકાર માનતા.

મનુષ્યસ્વભાવ દુ:ખને સમયે કેવો પીગળે છે એનું એક મધુર સ્મરણ અહીં નોંધ્યા વિના ન રહી શકાય. અમે ચીવલી છાવણી તરફ જતા હતા. આ એ જ ક્ષેત્ર હતું જ્યાં લોર્ડ રોબર્ટસના પુત્ર લેફ્ટનન્ટ રોબર્ટસને મરણઘા વાગ્યો હતો. લેફ્ટનન્ટ રોબર્ટસના શબને લઇ જવાનું માન અમારી ટુકડી પામી હતી. વળતે દહાડે તાપ સખત હતો. અમે કૂચ કરી રહ્યા હતા. સહુ તરસ્યા હતા. પાણી પીવાને સારુ રસ્તામાં એક નાનકડો ઝરો હતો. કોણ પહેલાં પાણી પીએ ? 'ટોમી'ઓ પી રહ્યા પછી આપણે પીશું એમ મેં ધાર્યું હતું. 'ટોમી'ઓએ અમને જોઇ તુરત અમને પહેલાં પાણી પીવા દેવા આગ્રહ માંડ્યો, ને અમે ઘણી વાર સુધી અમારી વચ્ચે 'તમે પહેલાં, અમે પછી' એવી મીઠી તાણતાણ ચાલી.


૧૧. શહેરસુધરાઈ-દુકાળફાળો

સમાજનું એક પણ અંગ અવાવરુ રહે એ મને હમેશાં ખૂંચ્યું છે. પ્રજાના દોષો ઢાંકીને તેનો બચાવ કરવો અથવા દોષો દુર કર્યા વિના હકો મેળવવા એ મને હમેશાં અરુચતું લાગ્યું છે. તેથી દક્ષિણ આફ્રિકામાં વસતા હિંદીઓ ઉપરનું એક તહોમત, જેમાં કંઇક વજુદ હતું, તેનો ઈલાજ કરવાનું કાર્ય મારા ત્યાંના વસવાટના આરંભકાળમાં જ યોજ્યું હતું.