પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ હજુ સમાજની વૃતિને બીજી એક દિશામાં ખીલવવાનું બાકી રહેતું હતું. આ સંસ્થાનવાસીઓએ ભારતવર્ષ પ્રત્યેનો પોતાનો ધર્મ પણ પ્રસંગ આવ્યે સમજવાનો અને પાળવાનો હતો. ભારતવર્ષ તો કંગાળ છે. લોકો ધન કમાવાને સારું પરદેશ વેઠે છે. તેમની કમાણીનો કંઇક ભગ ભારતવર્ષને આપત્તિને સમયે મળવો જોઈએ. સન ૧૮૫૭માં દુકાળ હતો ને પાછો બીજો સખત દુકાળ ૧૮૯૯માં પડ્યો. આ બન્ને દુકાળને સમયે દક્ષિણ આફ્રિકાથી સારી મદદ ગયેલી. પહેલા દુકાળ વખતે જે રકમ એકઠી થઇ શકી હતી તેના કરતાં બીજા દુકાળ વખતે ઘણી સારી રકમ થઇ હતી. આ ઉઘરાણામાં અંગ્રેજોની પાસે પણ અમે ફાળો માંગેલો. અને તેમના તરફથી સારો જવાબ મળ્યો હતો. ગિરમિટિયા હિંદીઓએ પણ પોતાનો ફાળો ભર્યો હતો.

આમ, આ બે દુકાળ વખતે જે પ્રથા પાડી તે હજુ સુધી કાયમ છે. અને આપણે જોઈએ છીએ કે, ભારતવર્ષમાં સાર્વજનિક સંકટને સમયે દક્ષિણ આફ્રિકા તરફથી સારી રકમો ત્યાં વસતા હિંદીઓ હમેશાં મોકલે છે.

આ રીતે, દક્ષિણ આફ્રિકાના હિંદીઓની સેવા કરતાં હું પોતે ઘણી વસ્તુઓ એક પછી એક અનાયાસે શીખી રહ્યો હતો. સત્ય એક વિશાળ વૃક્ષ છે. તેને જેમ્સેવે તેમ તેમાંથી અનેક ફળો નીપજતાં જોવામાં આવે છે. તેને અંત જ હોતો નથી. જેમ જેમ તેમાં ઊંડે ઊતરીએ તેમ તેમ તેમાંથી રત્નો મળ્યા કરે છે, સેવાના પ્રસંગો જડ્યા કરે છે.


૧૨. દેશગમન

લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે. દક્ષિણ આફ્રિકામાં બેઠો બેઠો હું કાંઈક સેવા તો જરૂર કરું, પણ ત્યાં મારો મુખ્ય ધંધો તો પૈસા કમાવાનો જ થઈ પડે એમ મને લાગ્યું.

દેશથી મિત્ર વર્ગની ખેંચ પણ દેશ આવવા તરફ ચાલુ હતી. મને પણ ભાસ્યું કે દેશ જવાથી મારો ઉપયોગ વધારે થઈ શકશે. નાતાલમાં મિ. ખાન અને મનસુખલાલ નાજર હતા જ.

મેં સાથીઓ આગળ મુક્ત થવાની માગણી કરી. ઘણી મુસીબતે એ