પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માગણીનો શરતી સ્વીકાર થયો. શરત એ હતી કે, એક વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મારે પાછું દક્ષિણ આફ્રિકા જવું. મને આ શરત કઠણ લાગી, પણ પ્રેમપાશથી હું બંધાયેલો હતો :

કાચે રે તાંતણે મને હરજીએ બાંધી
જેમ તાણે તેમ તેમની રે
મને લાગી કટારી પ્રેમની.

આ મીરાંબાઈની ઉપમા થોડેઘણે અંશે મને લાગુ પડતી હતી. પંચ પણ પરમેશ્વર જ છે. મિત્રોના બોલને હું તરછોડી નહોતો શકતો. મેં વચન આપ્યું ને રજા મેળવી.

આ વેળા મારો નિકટ સંબંધ નાતાલ સાથે જ હતો એમ કહેવાય. નાતાલના હિંદીઓએ મને પ્રેમામૃતથી નવડાવી મૂક્યો. ઠેકઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ, અને દરેક ઠેકાણેથી કીંમતી ભેટો આવી.

૧૮૯૬માં જ્યારે હું દેશ આવેલો ત્યારે પણ ભેટો મળેલી, પણ આ વખતની ભેટોથી ને સભાઓનાં દૃશ્યથી હું અકળાયો. ભેટોમાં સોનાચાંદીની વસ્તુઓ તો હતી જ પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી.

આ બધી વસ્તુઓનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર હોય ? એનો સ્વીકાર કરું તો કોમની સેવા હું પૈસા લઈને નહોતો કરતો એમ મારા મનને કેમ મનાવું ? આ ભેટોમાં, થોડી અસીલોની બાદ કરતાં બાકી બધી કેવળ મારી જાહેર સેવાને અંગે જ હતી. વળી મારે મન તો અસીલો અને બીજા સાથીઓ વચ્ચે કશો ભેદ નહોતો. મુખ્ય અસીલો બધા જાહેર કામમાં પણ મદદ દેનારા હતા.

વળી, આ ભેટોમાં એક પચાસ ગીનીનો હાર કસ્તૂરબાઈને સારુ હતો. પણ એને મળેલી વસ્તુ પણ મારી સેવાને અંગે હતી, એટલે તેને નોખી તારવી ન શકાય.

જે સાંજે આમાંની મુખ્ય ભેટો મળી હતી તે રાત્રિ મેં બાવરાની જેમ જાગીને ગાળી. મારા ઓરડામાં આંટા માર્યા કર્યા. પણ કંઈ ગૂંચ ઊકલે નહીં. સેંકડોની ભેટ જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.