પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું કદાચ ભેટો જીરવી શકું. પણ મારાં બાળકોનું શું ? સ્ત્રીનું શું ? તેમને શિક્ષણ તો સેવાનું મળતું હતું. સેવાનું દામ લેવાય નહીં એમ હમેશાં સમજાવવામાં આવતું હતું. ઘરમાં કીંમતી દાગીના વગેરે હું નહોતો રાખતો. સાદાઈ વધતી જતી હતી. આવી સ્થિતિમાં સોનાની ઘડિયાળો કોણે વાપરવી ? સોનાના અછોડા ને હીરાની વીંટીઓ કોણે પહેરવાં ? ઘરેણાંગાંઠાનો મોહ તજવા ત્યારે પણ હું બીજાઓને કહેતો. હવે આ દાગીના ને ઝવેરાતનું મારે શું કરવું ?

મારાથી આ વસ્તુઓ ન જ રખાય એવા નિર્ણય ઉપર હું આવ્યો. પારસી રુસ્તમજી ઇત્યાદિને આ દાગીનાઓના ટ્રસ્ટીઓ નીમી તેમના પર લખવાનો કાગળ ઘડ્યો, ને સવારમાં સ્ત્રીપુત્રાદિની સાથે મસલત કરી મારો ભાર હળવો કરવાનો નિશ્ચય કર્યો.

ધર્મપત્નીને સમજાવવાનું મુશ્કેલ પડશે એ હું જાણતો હતો. બાલકોને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એવી મને ખાતરી હતી. તેમને વકીલ નીમવાનો વિચાર કર્યો.

બાલકો તો તુરત સમજ્યા. ’અમારે એ દાગીનાઓનું કામ નથી. આપણે તે બધું પાછું જ આપવું. ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતા ?’ આમ તેઓ બોલ્યા.

હું રાજી થયો. ’ત્યારે બાને તમે સમજાવશો ને ?’ મેં પૂછ્યું.

’જરૂર, જરૂર. એ અમારું કામ. એને ક્યાં એ દાગીના પહેરવા છે ? એ તો અમારે સારુ રાખવા ઈચ્છે. અમારે એ ન જોઈએ, પછી એ શાની હઠ કરે ?’

પણ કામ ધાર્યા કરતાં વસમું નીવડ્યું.

’તમારે ભલે ખપ ન હોય, તમારા છોકરાઓને ભલે ન હોય. બાળકોને જેમ ચડાવો તેમ ચડે. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું ? એમને તો ખપ આવશે ? અને કોણ જાણે કે કાલે શું થશે ? એતલા હેતથી આપેલી વસ્તુઓ પાછી ન દેવાય.’ આમ વાગ્ધારા ચાલી ને તેની સાથે અશ્રુધારા મળી. બાળકો મક્કમ રહ્યા, મારે ડગવાપણું નહોતું.

મેં હળવેથી કહ્યું : ’છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવા છે ? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે