પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પણ ઉતારો હતો. તેઓ એક દિવસ પાછળથી આવેલા એવું મને સ્મરણ છે. જ્યાં લોકમાન્ય હોય ત્યાં નાનો સરખો દરબાર તો જામે જ. હું ચિતારો જોઉં તો, જે ખાટલા ઉપર તે બેસતા તેનું ચિત્ર આલેખી કાઢું. એટલું ચોખ્ખું તે જગ્યાનું ને તેમની બેઠકનું સ્મરણ મને હજુ છે. તેમને મળવા આવનાર અસંખ્ય માણસોમાં એકનું જ નામ મને યાદ છે. 'અમૃતબજાર પત્રિકા'ના મોતીબાબુ. આ બેનું ખડખડાટ હસવું ને રાજકર્તાઓના અન્યાયની તેમની વાતો ન ભુલાય તેવાં છે.

પણ અહીંની ગોઠવણ જરા તપાસીએ.

સ્વયંસેવકો એકબીજા સાથે અથડાય. જે કામ જેને સોંપો તે તેનું ન હોય. તે તુરત બીજાને બોલાવે; બીજો ત્રીજાને. બાપડો પ્રતિનિધિ તો નહીં ત્રણમાં, નહીં તેરમાં ને નહીં છપ્પનના મેળમાં.

મેં કેટલાક સ્વયંસેવકો જોડે દોસ્તી કરી. તેમને કઈંક દક્ષિણ આફ્રિકાની વાત કરી. તેથી તેઓ જરા શરમાયા. મેં તેમને સેવાનો મર્મ સમજાવવા પ્રયત્ન કર્યો. તે થોડું સમજ્યા. પણ સેવાની આવડત કંઇ બિલાડીના ટોપની પેઠે ઊગી નીકળતી નથી. તેને સારુ ઇચ્છા જોઇએ ને પછી મહાવરો. આ ભોળા ને ભલા સ્વયંસેવકોને ઇચ્છા તો ઘણીય હતી. પણ તાલીમ ને મહાવરો ક્યાંથી મળે? મહાસભા વરસમાં ત્રણ દિવસ મળી સૂઇ જાય. દર વર્ષે ત્રણ દિવસની તાલીમથી કેટલું ઘડતર થાય?

જેવા સ્વયંસેવકો તેવા જ પ્રતિનિધિ. તેમને પણ તેટલા જ દહાડાની તાલીમ. પોતાના હાથે પોતે કશું જ ન કરે. બધી વાતમાં હુકમ. 'સ્વયંસેવક, આ લાવો ને તે લાવો' ચાલ્યા જ કરે.

અખા ભગતના 'અદકેરા અંગ'નો પણ ઠીક અનુભવ થયો. આભડછેટ ઘણાને લાગે. દ્રાવિડી રસોડું તો સાવ નિરાળું. આ પ્રતિનિધિઓને 'દૃષ્ટિદોષ' પણ લાગે! તેમને સારુ કોલેજના કમ્પાઉન્ડમાં સાદડીઓનું રસોડું બાંધવામાં આવ્યું હતું. માણસ ગૂંગળાઇ જાય એટલો તેમાં ધુમાડો. ખાવાનું પીવાનું બધું તેમાં. રસોડું એટલે તિજોરી. ક્યાંયથી ઉઘાડું ન જ હોવું જોઇએ!

મને આ વર્ણધર્મ અવળો લાગ્યો. મહાસભામાં આવનારા પ્રતિનિધિઓ જો આટલા અભડાય તો તેમને મોકલનારા કેટલા અભડાતા હશે, એમ ત્રિરાશીનો મેળ બાંધતાં જે જવાબ મળ્યો તેથી મેં નિસાસો મૂક્યો.