પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભલામણ વાંચેલી તે મને ગમેલી, ને તેથી હાઇસ્‍કૂલનાં ઉપલાં ધોરણોથી જ ફરવા જવાની ટેવ મને પડી હતી. તે છેવટ લગી રહી. ફરવું એ પણ વ્‍યાયામ તો છે જ, તેથી મારું શરીર પ્રમાણમાં કસાયેલું બન્‍યું.

અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઇચ્‍છા હતું. નિશાળ બંધ થાય કે તરત ઘેર પહોંચી સેવામાં પડી જતો. જયારે કસરત ફરજિયાત થઇ ત્‍યારે આ સેવામાં વિધ્‍ન પડયું. પિતાજીની સેવા કરવાને ખાતર કસરતની માફી મળવી જોઇએ એવી વિનંતી કરી. પણ ગીમી સાહેબ શાના માફી આપે ? એક શનિવારે નિશાળ સવારની હતી. સાંજે ચાર વાગ્‍યે કસરતમાં જવાનું હતું. મારી પાસે ઘડિયાળ નહોતી. આકાશમાં વાદળાં હતાં, તેથી વખતની કંઇ ખબર નહોતી. વાદળાંથી હું છેતરાયો. કસરતમાં પહોંચું ત્‍યાં તો બધા જતા રહ્યા હતા. બીજે દિવસે ગીમી સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર નીકળ્યો. મને કારણ પૂછયું. મેં તો જે હતું તે કારણ બતાવ્‍યું. તેમણે તે સાચું ન માન્‍યું ને મારો એક આનો કે બે આના (કેટલો એ બરાબર યાદ નથી) દંડ થયો. હું ખોટો ઠર્યો ! મને અતિશય દુઃખ થયું. ‘હું ખોટો નથી’ એ કેમ સિદ્ધ કરું ? કશો ઉપાય ન રહ્યો. મનમાં ને મનમાં સમસમી રહ્યો. રોયો. સમજયો કે સાચું બોલનારે ને સાચું કરનારે ગાફેલ પણ ન રહેવું જોઇએ. આવી ગફલત મારા ભણતરના સમયમાં આ પહેલી અને છેલ્‍લી હતી. મને ઝાખું સ્‍મરણ છે કે છેવટે હું એ દંડ માફ કરાવી શકયો હતો.

કસરતમાંથી તો મુક્તિ મેળવી જ. નિશાળમાં સમય પછી પોતે મારી હાજરી પોતાની સેવાને અર્થે ઇચ્‍છે છે એવો પિતાશ્રીનો કાગળ હેડમાસ્‍તરને મળવાથી મુકિત મળી.

વ્‍યાયામને બદલે ફરવાનું રાખ્‍યું તેથી શરીરને વ્‍યાયામ ન કરાવ્‍યાની ભૂલને સારુ કદાચ મારે સજા નથી ભોગવવી પડી; પણ બીજી એક ભૂલની સજા હું આજ લગી ભોગવી રહ્યો છું. ભણતરમાં અક્ષર સારા લખવાની જરૂર નથી એવો ખોટો ખ્‍યાલ મારામાં કયાંથી આવ્‍યો એ હું જાણતો નથી. પણ છેક વિલાયત જતાં લગી એ રહ્યો. પછી અને મુખ્‍યત્‍વે કરીને દક્ષિ‍ણ આફ્રિકામાં, જયાં વકીલોના અને દક્ષિ‍ણ આફ્રિકામાં જન્‍મેલા ને ભણેલા નવયુવકોના મોતીના દાણા જેવા અક્ષરો જોયા ત્‍યારે,