પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગંદકીનો પાર નહોતો. બધે પાણી જ પાણી થઈ રહ્યું હતું. પાયખાનાં થોડાં જ હતાં. તેની દુર્ગંધનું સ્મરણ મને હજુ પજવે છે. સ્વયંસેવકને મેં તે બતાવ્યું. તેણે ઘસીને કહ્યું, 'એ તો ભંગીનું કામ.' મેં સાવરણાની માગણી કરી. પેલો સામું જોઇ રહ્યો. મેં સાવરણો પેદા કરી લીધો. પાયખાનું સાફ કર્યું. પણ એ તો મારી સગવડ ખાતર. ભીડ એટલી હતી ને પાયખાનાં એટલાં ઓછાં હતાં કે દરેક ઉપયોગ પછી તે સાફ થવાં જોઇએ. તેમ કરવું મારી શક્તિ બહાર હતું. એટલે મેં મારા પૂરતી સગવડ કરી લઈ સંતોષ વાળ્યો. મેં જોયું કે બીજાઓને એ ગંદકી ખૂંચતી નહોતી.

પણ આટલેથી બસ નહોતું. રાતની વેળા કોઇ તો ઓરડાની ઓશરીનો ઉપયોગ લેતા. સવારે સ્વયંસેવકોને મેં મેલું બતાવ્યું. સાફ કરવા કોઇ તૈયાર નહોતું. એ સાફ કરવાનું માન તો મેં જ ભોગવ્યું.

આજે આ બાબતોમાં જોકે ઘણો સુધારો થયો છે, છતાં અવિચારી પ્રતિનિધિ હજુ મહાસભાની છાવણીને જ્યાં ત્યાં મળત્યાગ કરી બગાડે છે ને બધા સ્વયંસેવકો તે સાફ કરવા તૈયાર નથી હોતા.

મેં જોયું કે આવી ગંદકીમાં જો મહાસભાની બેઠક જો વધુ વખત ચાલુ રહે તો અવશ્ય રોગચાળો ફાટી નીકળે.


:૧૪. કારકુન અને ‘બેરા’[૧]

મહાસભાને ભરાવાને એક બે દિવસની વાર હતી. મેં નિશ્ચય કર્યો હતો કે મહાસભાના દફતરમાં જો મારી સેવાનો સ્વીકાર થાય તો મારે સેવા કરવી ને અનુભવ મેળવવો.

જે દિવસે અમે આવ્યા તે જ દિવસે નાહીધોઇને મહાસભાના દફતરમાં ગયો. શ્રી ભૂપેન્દ્રનાથ બસુ અને શ્રી ઘોષળ મંત્રી હતા. ભૂપેનબાબુની પાસે પહોંચ્યો ને સેવા માગી. તેમણે મારી સામે જોયું ને બોલ્યા:

'મારી પાસે તો કંઇ કામ નથી, પણ કદાચ મિ. ઘોષળ તમને કઇંક સોંપશે. તેમની પાસે જાઓ.'

હું ઘોષળબાબુ પાસે ગયો. તેમણે મને નિહાળ્યો. જરા હસ્યા ને પૂછ્યું:

  1. †અંગ્રૅજી 'બૅરર' શબ્દનો અપભ્રંશ. અંગશેવા કરનાર, ખિજમતગાર. કલકત્તામાં હરકોઇ ઘરનોકરને માટે 'બૅરા' શબ્દ વપરાય છે.