પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નગારાં વચ્ચે મારી તૂતીનો અવાજ કોણ સાંભળશે? રાત ચાલી જતી હતી તેમ તેમ મારું હૈયું ધડકતું હતું. છેવટના ઠરાવો હાલનાં વિમાનની ગતિએ ચાલતા હતા એવું મને યાદ આવે છે. સહુ ભાગવાની તૈયારીમાં છે. રાતના અગિયાર વાગ્યા છે. મારી બોલવાની હિંમત ન મળે. મેં ગોખલેને મળી લીધું હતું. તેમણે મારો ઠરાવ જોઈ લીધો હતો.

તેમની ખુરશીની પાસે પાસે જઈને મેં ધીમેથી કહ્યું:

'મારું કંઈક કરજો.'

તેમણે કહ્યું: 'તમારો ઠરાવ મારા ખ્યાલ બહાર નથી. અહીંની ઉતાવળ તમે જોઈ રહ્યા છો. પણ હું એ ઠરાવને ભુલાવા નહીં દઉં.'

'કેમ, હવે ખલાસ?' સર ફિરોજશા બોલ્યા.

'દક્ષિણ આફ્રિકાનો ઠરાવ તો છે જ ના? મિ.ગાંધી ક્યારના વાટ જોઈ બેઠા છે,' ગોખલે બોલી ઉઠ્યા.

'તમે તે ઠરાવ જોઈ ગયા છો?' સર ફિરોજશાએ પૂછ્યું.

'અલબત્ત.'

'તમને એ ગમ્યો?'

'બરાબર છે.'

'ત્યારે ગાંધી, વાંચો.'

મેં ધૂજતાં વાંચી સંભળાવ્યો.

ગોખલેએ ટેકો આપ્યો.

'એકમતે પસાર,' સહુ બોલી ઉઠ્યા.

'ગાંધી, તમે પાંચ મિનિટ લેજો,' વાચ્છા બોલ્યા.

આ દ્રશ્યથી હું ખુશી ન થયો. કોઈએ ઠરાવ સમજવાની તકલીફ ન લીધી. સહુ ઉતાવળમાં હતા. ગોખલેએ જોયું હતું, એટલે બીજાઓને જોવા સાંભળવાની જરૂર ન જણાઈ.

સવાર પડ્યું.

મને તો મારા ભાષણની લાગી હતી. પાંચ મિનિટમાં શું બોલવું? તૈયારી તો ઠીક ઠીક કરી, પણ શબ્દો જોઈએ તે ન આવે. ભાષણ લખેલું નથી વાંચવું એવો નિશ્ચય હતો. પણ, દક્ષિણ આફ્રિકામાં ભાષણ કરવાની છૂટ આવી હતી તે અહીં હું ખોઈ બેઠો હતો એમ લાગ્યું.