પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મારા ઠરાવનો સમય આવ્યો એટલે સર દીનશાએ મારું નામ પોકાર્યું. હું ઊભો થયો. માથું ફરે. જેમતેમ ઠરાવ વાંચ્યો. કોઈ કવિએ પોતાનું કાવ્ય છપાવી બધા પ્રતિનિધિઓમાં વહેંચ્યું હતું. તેમાં પરદેશ જવાની અને દરિયો ખેડવાની સ્તુતિ હતી. તે મેં વાંચી સંભળાવ્યું ને દક્ષિણ આફ્રિકાનાં દુ:ખોની કંઈક વાત કરી. તેટલામાં સર દીનશાની ઘંટડી વાગી. મારી ખાતરી હતી કે મેં હજુ પાંચ મિનિટા લીધી નહોતી. હું નહોતો જાણતો કે એ ઘંટડી તો મને ચેતવણી આપવા બે મિનિટ બાકી હતી ત્યારે જ વગાડવામાં આવી હતી. મેં ઘણાઓને અરધો, પોણો પોણો કલાક બોલતાં સાંભળ્યા હતા, ને ઘંટડી નહોતી વાગી. મને દુ:ખ તો લાગ્યું. ઘંટડી વાગી એટલે બેસી જ ગયો. પણ પેલા કાવ્યમાં સર ફિરોજશાને જવાબ મળ્યો, એમ મારી નાનકડી બુદ્ધિએ તે વેળા માની લીધું.

ઠરાવ પાસ થવા વિષે તો પૂછવું જ શું? તે કાળે પ્રેક્ષક ને પ્રતિનિધિ એવો ભેદ ભાગ્યે જ હતો. ઠરાવનો વિરોધ કરવાપણું હોય જ નહીં. સહુ હાથ ઊંચો કરે જ. બધા ઠરાવ એકમતે પાસ થાય. મારા ઠરાવનું યે તેમ જ થયું. એટલે, મને ઠરાવનું મહત્ત્વ ન જણાયું. છતાં, મહાસભામાં ઠરાવ પસાર થયો એ વાત જ મારા આનંદને સારુ બસ હતી. મહાસભાની જેના ઉપર મહોર પડી તેના ઉપર આખા ભારતવર્ષની મહોર છે, એ જ્ઞાન કોને સારુ બસ ન થાય?


૧૬. લૉર્ડ કર્ઝનનો દરબાર

મહાસભા વીતી, પણ મારે તો દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહી ચેમ્બર ઓફ કોમર્સ ઈત્યાદિ મંડળોને મળવાનું હતું. તેથી હું કલકત્તામાં એક માસ રહ્યો. આ વેળા મેં હોટલમાં ઊતરવાને બદલે ઓળખાણ મેળવી 'ઈંડિયા ક્લબ'માં રહેવાનું ગોઠવ્યું. આ ક્લબમાં આગેવાન હિંદીઓનો ઉતારો રહેતો; તેથી તેમના પ્રસંગમાં આવી તેમને દક્ષિણ આફ્રિકાના કામમાં રસ લેતા કરીશ એવો લોભ હતો. આ ક્લબમાં ગોખલે હંમેશાં નહીં તો વખતોવખત બિલિયર્ડ રમવા આવતા. હું કલકત્તામાં રોકાવાનો હતો એ તેમના જાણવામાં આવતાં જ તેમણે મને પોતાની સાથે રહેવા આમંત્રણ આપ્યું. મેં તે આભારસહિત સ્વીકાર્યું. પણ મારે મારી મેળે