પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં જવું એ તો મને ઠીક ન લાગ્યું. એકબે દિવસ રાહ જોઈ એટલામાં ગોખલે પોતાની સાથે જ મને લઈ ગયા. મારો સંકોચ જોઈ તેમણે કહ્યું, 'ગાંધી, તમારે તો દેશમાં રહેવું છે એટલે આવી શરમ કામ નહીં આવે. જેટલાના સંબંધમાં અવાય તેટલાના સંબંધમાં તમારે આવવું જોઈએ. મારે તમારી પાસેથી મહાસભાનું કામ લેવું છે.'

ગોખલેને ત્યાં જતાં પહેલાં 'ઈંડિયા ક્લબ'નો એક અનુભવ નોંધું.

આ જ અરસામાં લોર્ડ કર્ઝનનો દરબાર હતો. તેમાં જનારા કોઈ રાજામહારાજા આ ક્લબમાં જતા. ક્લબમાં તો તેમને હું હંમેશાં સુંદર બંગાળી ધોતી, પહેરણ તથા પછેડીના પોશાકમાં જોતો. આજે તેમણે પાટલૂન, ઝભ્ભો, ખાનસામાની પાઘડી અને ચમકદાર બૂટ પહેર્યાં. મને દુ:ખ થયું ને મેં આવા ફેરફારનું કારણ પૂછ્યું.

'અમારું દુ:ખ અમે જાણીએ. અમારા પૈસા ને અમારા ઈલકાબો રાખવા સારુ અમારે જે અપમાનો સહન કરવાં પડે છે તે તમે કઈ રીતે જાણો?' જવાબ મળ્યો.

'પણ ખાનસામાશાઈ પાઘડી ને આ બૂટ શા?'

'અમારામાં ને ખાનસામામાં તમે શો ફેર ભાળ્યો? તેઓ અમારા તો અમે લોર્ડ કર્ઝનના ખાનસામા. હું લેવીમાંથી ગેરહાજર રહું તો પણ મારે સોસવું પડે. હું મારા સામાન્ય પોશાકમાં જઉં તો એ ગુનો ગણાય. અને ત્યાં જઈને પણ મને કંઈ લોર્ડ કર્ઝનની સાથે વાત કરવા મળવાની કે? મુદ્દલ નહીં.'

મને આ નિખાલસ ભાઈ ઉપર દયા આવી.

આવા જ પ્રસંગનો બીજો એક દરબાર મને યાદ આવે છે. જ્યારે કાશી હિંદુ વિદ્યાપીઠનો પાયો લોર્ડ હાર્ડિંગને હાથે નંખાયો ત્યારે તેમનો દરબાર હતો. તેમાં રાજામહારાજાઓ તો હોય જ. ભારતભૂષણ માલવીજીએ મને પણ તેમાં હાજરી આપવાનો ખાસ આગ્રહ કર્યો હતો. હું ત્યાં ગયો હતો. રાજામહારાજાઓના કેવળ ઓરતોને જ શોભે એવા પોશાક જોઈ હું ખૂબ દુ:ખી થયો. રેશમી ઈજાર, રેશમી અંગરખાં ને ડોકમાં હીરામોતીની માળાઓ! હાથે બાજુબંધ ને પાઘડી ઉપર હીરામોતીનાં લટકણિયાં! આ બધાની સાથે કેડે સોનાની મૂઠવાળી તલવાર લટકતી હોય. આ તેમના રાજ્યાધિકારની