પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આજના દા. રૉયમાં અને ત્યારના પ્રો રોયમાં હું થોડો જ ભેદ જોઉં છું. જેવી જાતનો પોશાક ત્યારે પહેરતા તેવો જ લગભગ આજે છે. હા, આજે ખાદી છે; ત્યારે ખાદી તો નહોતી જ; સ્વદેશી મિલની બનાવટનાં કપડાં હશે. ગોખલેની અને પ્રો રોયની વાતો સાંભળતા હું તૃપ્ત જ ન થતો, કેમ કે તેમની દેશહિતને જ લાગતી હોય અથવા કોઈ જ્ઞાનવાર્તા હોય. કેટલીક વાતો દુઃખદ પણ હોય, કેમ કે તેમાં નેતાઓની ટીકા હોય. જેમને હું મહાન યોદ્ધા ગણતાં શીખ્યો હતો તેઓ નાન દેખાવા લાગ્યા.

ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવા મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશ કાર્ય ને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા. દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી. અનેક માણસો તેમને અનેક બાબતોમાં ર્સ લેવડાવવા આવે. તેમને એક જ જવાબ દેતા: ' તમે એ કામ કરો. મને મારું કરવા દો. મારે તો દેશની સ્વાધીનતા મેળવવી છે. તે મળ્યા પછી જ મને બીજું સૂઝશે. અત્યારે તો એ વ્યવસાયમાંથી મારીએ પાસે એક ક્ષણ પણ બાકી રહેતી નથી.'

રાનડે પ્રત્યેનો તેમનો પૂજ્યભાવ તો વાતવાતમાં જોઈ શકાય.'રાનડે આમ કહેતા' એ તો એમની વાત ચીતમાં લગભગ 'સૂત ઉવાચ' જેવું હતું. હું હતો તે દરમ્યાન રાનડેની જયંતી (કે પુણ્યતિથિ એનું અત્યારે સ્મરણ નથી) આવતી હતી. ગોખલે તે હમેંશા પાળતા હોય તેમ લાગ્યું. તે વખતે મારા ઉપરાંત તેમના મિત્રો પ્રોફેસર કાથવટેઅને બીજા એક સબજજ ગૃહસ્થ હતા. એમને તેમણે જયંતી ઊજવવા નોતર્યા, અને તે પ્રસંગે તેમણે અમારી આગળ રાનડેના અનેક સ્મરનો કહ્યાં. રાનડે, તેલંગ અને મંડલિકની સરખામણી પણ કરી. તેલંગની ભાષાની સ્તુતિ કર્યાનું મને સ્મરણ છે. મંડલિકની સુધારક તરીકે સ્તુતિ કરી. પોતાના અસીલ પ્રત્યેની તેમની કાળજીમા દ્રષ્ટાંતમાં, રોજની ટ્રેન ચૂકી જવાથી પોતે સ્પેશિય ટ્રેન ક્રીને કેવા ગયેલા, એ કિસ્સો સંભળાવ્યો. અને રાનડેની સર્વદેશી શક્તિનું વર્ણન કરી બતાવી, તે કાળના અગ્રણીઓમાં તેમની