પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૮. ગોખલે સાથે એક માસ—૨

ગોખલેની છાયા તળે રહી મેં બધો સમય ઘરમાં બેસીને ન ગાળ્યો.

મેં દક્ષિણ આફ્રિકાના મારા ખ્રિસ્તી મિત્રોને કહેલું કે હું હિંદુસ્તાની ખ્રિસ્તીઓને મળીશ, તેમની સ્થિતી જાણીશ. કાલિચરણ બૅનરજીનું નામ મેં સાંભળ્યું હતું. તેઓ મહાસભામાં આગળ પડતો ભાગ લેતા, તેથી તેમને વિષે માન હતું. સામાન્ય હિંદી ખ્રિસ્તીઓ મહાસભાથી તેમજ હિંદુ મુસલમાનથી અળગા રહેતા. તેથી તેમને વિષે અવિશ્વાસ હતો, તે કાલિચરણ બેનરજી વિષે નહોતો. મેં તેમને મળવા જવા વિષે ગોખલેને વાત કરી. તેમણે કહ્યું: 'ત્યાં જઈને તમે શું લેશો? એ બહુ ભલા છે, પણ મને લાગે છે કે તેઓ તમને સંતોષ નહીં આપી શકે. હું તેમને સારી રીતે જાણું છું. છતાં તમારે જવું હોય તો સુખે જજો.'

મેં વખત માગેલો. તેમણે મને તુરંત વખત આપ્યો ને હું ગયો. તેમને ઘેર તેમનાં ધર્મપત્ની મરણ પથારીએ હતાં. તેમનું ઘર સાદું હતું. મહાસભામાં તેમને કોટપાટલૂનમાં જોયેલા. તેમના ઘરમાં તેમને બંગાળી ધોતી ને કુરતામાં જોયા. આ સાદાઈ મને ગમી. તે વખતે જોકે હું તો પારસી કોટાપટલૂનમાં હતો, ઘતાં મને આ પોશાક ને સાદાઈ બહુ ગમ્યાં. મેં તેમનો વખત ન ગુમાવતા મારી ગૂંચવણો રજૂ કરી.

તેમણે મને પૂછ્યું: ' તમે માનો છો કે આપણે પાપ લઈને જન્મીએ છીએ?'

મેં કહ્યું : 'હા જી.'

'ત્યારે એ મૂળ પાપનું નિવારણ હિંદુ ધર્મામાં નથી ને ખ્રિસ્તી ધર્મમાં છે.' આમ કહીને તેમણે કહ્યું: 'પાપનો બદલો મોત છે. એ મોતમાંથી બચવાનો માર્ગ ઈશુ નું શરણ છે એમ બાઈબલ કહે છે.'

મેં ભગવદ્ગીતાનો ભક્તિ માર્ગ રજૂ કર્યો, પણ મારું બોલવાનું નિરર્થક હતું. મેં આ ભલા પુરુષનો તેમની બલમનસાઈને સારુ ઉપકાર માન્યો. મને સંતોષ ન થયો, છતાં આ મુલાકાતથી મને લાભ જ થયો.

આ જ માસમાં હું કલકત્તાની ગલીએ ગલી રખડ્યો એમ કહું તો ચાલે.ઘણું ખરું કામ પગપાળો કરતો. આ સમયમાં જ ન્યાયમૂર્તિ મિત્રને