પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બ્રહ્મ સમાજનું બની શકે તેટલું નિરીક્ષણ કર્યા પછી સ્વામી વિવેકાનંદનાં દર્શન ન કરું એમ તો બને જ કેમ? અતિ ઉત્સાહ પૂર્વક હું બેલૂર મઠ લગી ઘણે ભાગે ચાલીને ગયો. પૂરો ચાલ્યો કે અરધો, એ મને અત્યારે યાદ નથી. મઠનું એકાંત સ્થાન મને ગમ્યું. સ્વામીજી બીમાર છે, તેમને મળાય એમ નથી, અને એઓ પોતાને કલકત્તાને ઘેર છે એમ ખબર સાંભળી નિરાશ થયો. ભગિની નિવેદિતાના રહેઠણના ખબર મેળવ્યા. ચોરંઘીના એક મહેલમાં તેમના દર્શન પામ્યો. તેમના દમામથી હું હેબતાઈ ગયો. વાતચીતમાં પણ અમારો બહુ મેળ ન જામ્યો. મેં આ વાત ગોખલે ને કરેલી. તેમણે કહ્યું : 'એ બાઈ બહુ તેજ છે, એટલે તમરો મેળ ન મળે એ હું સમજું છું.'

ફરી એક વાર તેમનો મેળાપ મને પેસ્તનજી પાદશાહને ઘેર થયેલો. પેસ્તનજીનાં વૃદ્ધ માતાને તે ઉપદેશ આપતાં હતાં, તેવામાં હું તેમને ત્યાં જઈ પહોંચેલો. એટલે હું તેમની વચ્ચે દુભાષિયો બન્યો હતો. ભગિનીનો હુંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ ઊભરાઈ જતો હતો એટલું તો, હું અમારો મેળ ન મળતાં છતાં, જોઈ શક્યો હતો. તેમના પુસ્તકોનો પરિચય પાછળથી કર્યો.

દિવસના મેં વિભાગ પાડ્યા હતા.એક ભાગ દક્ષિણ અફ્રિકાના કામને અંગે કોલકત્તામાં રહેતા આગેવાનોને મળવામાં ગાળતો, ને એક ભાગ કલકત્તાની ધાર્મિક સંસ્થાઓ અને બીજી જાહેર સંસ્થાઓ જોવામાં. એક દિવસ મેં, બોઅર લડાઈમાં હિંદી સારવાર-ટુકડીએ જે કામ કર્યું હતું, તેઉપર દા. મલિકના પ્રમુખ પણા હેઠળ ભાષણ આપ્યું. 'ઈંગ્લીશમૅન' સાથેનો મારો પરિચય આ વખતે પણ બહુ મદદગાર નીવડ્યો. મિ. સૉન્ડર્સ આ વેળા બિમાર રહેતા. પણ તેમની મદદ તો ૧૮૯૬ની સાલમાં મળેલી તેટલી જ મળી. આ ભાષણ ગોખલે ને ગમ્યું હતું. અને જ્યારે દા. રૉયે મારા ભાષણનાં વખાણ કર્યાં ત્યારે તે બહુ રાજી થયા.

આમ ગોખલેની છાયા નીચે રહેવાથી બંગાળમાં મારું કામ બહુ સરસ થઈ પડ્યું. બંગાળના અગ્રગણ્ય કુટુંબોની માહિતી હું સહેજે પામ્યો ને બંગાળ સાથે મારે નિકટ સંબંધ થયો. આ ચિરસ્મરણીય માસનાં ઘણાં સ્મરણો મારે છોડવા પડશે. તે માસમાં હું બ્રહ્મદેશ પણ ડૂબકી મારી આવ્યો હતો. ત્યાંના ફૂંગીઓની મુલાકાત કરી. તેમના આળસથી દુઃખી