પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થયો. સુવર્ણ પૅગોડાના દર્શન કર્યાં. મંદિરમાં અસંખ્ય નાની મીણબત્તીઓ બળતી હતી તે ન ગમી. મંદિરના ગર્ભગૃહમાં ઉંદરોને ફરતા જોઈ સ્વામી દયાનંદનો અનુભવ યાદ આવ્યો. બ્રહ્મદેશની મહિલાઓની સ્વતંત્રતા, તેમનો ઉત્સાહ, ને ત્યાંના પુરુષોની મંદતા જોઈ મહિલાઓ ઉપર મોહ પામ્યો ને પુરુષોને વિષે દુ:ખ થયું. મેં ત્યારેજ જોયું કે, જેમ મુંબઈ હિંદુસ્તાન નથી તેમ રંગૂન બ્રહ્મદેશ નથી; અને જેમ હિંદુસ્તાનમાં અંગ્રેજ વેપારીઓના આપણે કમિશન એજન્ટ બન્યા છીએ તેમ બ્રહ્મદેશમાં આપણે અંગ્રેજોની સાથે મળીને બ્રહ્મદેશવાસીઓને કમિશન એજન્ટ બનાવ્યા છે.

બ્રહ્મદેશથી પાછા ફરીને મેં ગોખલે પાસેથી વિદાયગીરી લીધી. તેમનો વિયોગ મને સાલ્યો, પણ મારું બંગાળનું - અથવા ખરી રીતે કલકત્તાનું - કામ પૂરું થયું હતું.

ધંધે વળગું તે પહેલાં મારો વિચાર હિંદુસ્તાનાનો નાનકડો પ્રવાસ ત્રીજા વર્ગમાં કરી, ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવાનો અને તેમનાં દુઃખો જાણી લેવાનો હતો. ગોખલે આગળ મેં આ વિચાર મૂક્યો. તેમણે પ્રથમ તો તે હસી કાઢ્યો. પણ જ્યારે મેં મારી આશાઓનું વર્ણન કર્યું, ત્યારે તેમણે ખુશીથી મારી યોજનાને સંમતિ આપી. મારે પહેલું તો કાશી જઈ વિદુષી એની બેસંટના દર્શન કરવાનું હતું. તેઓ તે વખતે બિમાર હતાં.

આ મુસાફરીને સારુ મારે નવો સામાન વસાવવાનો હતો. એક ડબ્બો પિત્તળનો ગોખલેએ જ આપ્યો ને તેમાં મારે સારુ મગજના લાડુ અને પૂરી મુકાવ્યાં. એક બાર આનાની કંતાનની પાકીટ લીધી. છાયા- (પોરબંદર નજીકનું ગામ)ની ઊનનો ડગલો બનાવડાવ્યો હતો. પાકીટમાં એ ડગલો, ટુવાલ, પહેરણ અને ધોતીયું હતાં. ઓઢવાને સારુ એક કામળી હતી. ઉપરાંત એક લોટો સાથે રાખ્યો હતો. આટલો સામાન લઈને હું નીકળ્યો.

ગોખલે અને દા. રૉય સ્ટેશન ઉપર મને વળાવવા આવ્યા. બન્નેને મેં ન આવવા વીનવ્યા. પણ બન્નેએ આવવાનો આગ્રહ પકડી રાખ્યો. 'તમે પહેલા વર્ગમાં જાત તો કદાચ હું ન આવત, પણ હવે તો મારે આવવું જ છે,' ગોખલે બોલ્યા.

પ્લૅટફૉર્મ ઉપર જતાં ગોખલેને તો કોઈએ ન રોક્યા. તેમણે પોતાનો