પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રેશમી ફેંટો બાંધ્યો હતો ને ધોતીયું તથા કોટ પહેર્યાં હતાં. દા. રૉયે બંગાળી પોશાક પહેર્યો હતો. એટલે તેમને ટિકિટ-માસ્તરે અંદર આવતાં પ્રથમ તો રોક્યા, પણ ગોખલેએ કહ્યું, 'મારા મિત્ર છે,' એટલે દા. રૉય પણ દાખલ થયા. આમ બન્નેએ મને વિદાય આપી.

૨૦. કાશીમાં

મુસાફરી કલકત્તેથી રાજકોટ સુધીની હતી. તેમાં કાશી, આગ્રા, જયપુર, પાલનપુર અને રાજકોટ એમ જવાનું હતું. આટલું જોવા ઉપરાંત વધારે વખત અપાય તેમ નહોતો. દરેક જગ્યાએ એક એક દિવસ રહ્યો હતો. પાલનપુર સિવાય બધે ધર્મશાળામાં અથવા 'પંડા'ઓને ઘેર, જાત્રાળુઓની જેમ, ઊતર્યો હતો. મને યાદ છે તે પ્રમાણે, મને આટલી મુસાફરીમાં ગાડીભાડાં સહિત એકત્રીસ રૂપિયા ખર્ચ થયેલું. ત્રીજા વર્ગની મુસાફરીમાં પણ ઘણે ભાગે મેલ ગાડીને છોડી દેતો, કેમકે મને ખબર હતી કે તેમાં વધારે ભીડ હોય છે. તેનું ભાડું પણ સામાન્ય ગાડીના ત્રીજા વર્ગને હિસાબે વધારે હતું એ વાંધો તો હતો જ.

ત્રીજા વર્ગના ડબ્બામાં ગંદકી અને પાયખાનાની બૂરી હાલત તો જેવાં આજે છે તેવાં તે વખતે હતાં. આજે કદાચ સહેજ સુધારો થયો હોય તો ભલે. પણ પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે સગવડોનું અંતર ભાડાના અંતર કરતાં ઘણું વધારે જણાયું. ત્રીજા વર્ગના ઉતારુ એટલે ઘેટાં, ને તેમની સગવડ એટલે ઘેટાંના ડબ્બા. યુરોપમાં તો મેં ત્રીજા જ વર્ગમાં મુસાફરી કરેલી. અનુભવને ખાતર પહેલા વર્ગની મુસાફરી એકવાર કરેલી. ત્યાં મેં પહેલા અને ત્રીજા વર્ગ વચ્ચે અહીંના જેવું અંતર ન ભાળ્યું. દક્ષિણ આફ્રિકામાં ત્રીજા વર્ગના ઉતારુઓ મોટે ભાગે હબસીઓ જ હોય છે. છતાં, ત્યાંના ત્રીજા વર્ગમાં પણ વધારે સગવડ છે. કેટલાક ભાગમાં તો ત્યાં ત્રીજા વર્ગના ડબ્બામાં સૂવાને સગવડ પણ હોય છે. અને બેઠકો ગાદીથી મઢેલી હોય છે. દરેક ખાનામાં બેસનાર ઉતારુઓની સંખ્યાની હદ જાળવવામાં આવે છે. અહીં તો ત્રીજા વર્ગમાં સંખ્યાની હદ જળવાયાનો મને અનુભવ જ નથી.

રેલખાતા તરફની આ અગવડો ઉપરાંત, મુસાફરોની કુટેવો સુઘડ