પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મુસાફરને સારુ ત્રીજા વર્ગની મુસાફરી સજારૂપ કરી નાખે છે. ગમે ત્યાં થૂંકવુ, ગમે ત્યાં કચરો નાખવો, ગમે તેમ ને ગમે તે વખતે બીડી ફૂંકવી, પાનજરદો ચાવવાં ને તેની પિચકારીઓ બેઠા હોય ત્યાં જ મારવી, એઠવાડ ભોંય ઉપર નાંખવો, બરાડા પાડીને વાતો કરવી, જોડે બેઠેલાની દરકાર ન કરવી, ને ભાષાની ગંદકી-આ તો સાર્વત્રિક અનુભવ છે.

ત્રીજા વર્ગની મુસાફરીના મારા ૧૯૦૨ના અનુભવમાં ને ૧૯૧૫થી ૧૯૧૯ સુધીના મારા બીજી વારના એ જ અખંડ અનુભવમાં મેં બહુ તફાવત નથી અનુભવ્યો. આ મહા વ્યાધિનો ઉપાય મેં એક જ જાણ્યો છે. તે એ કે, શિક્ષિત વર્ગે ત્રીજા વર્ગમાં જ મુસાફરી કરવી ને લોકોની ટેવો સુધારવા પ્રયત્ન કરવો. સિવાય, રેલખાતાના અમલદારોને ફરિયાદોથી પજવી મેલવા, પોતાની સગવડ મેળવવા કે જાળવવા લાંચરુશવત ન આપવાં, ને એક પણ ગેરકાયદે વર્તણૂક જતી કરવી.

આમ કરવાથી ઘણો સુધારો થઈ શકે છે એવો મારો અનુભવ છે. મારી માંદગીને લીધે મારે ૧૯૨૦ની સાલથી ત્રીજા વર્ગની મુસાફરી લગભગ બંધ રાખવી પડી છે એ મને હંમેશા દુ:ખની અને શરમની વાત લાગી છે. અને તે પણ એવે અવસરે બંધ રાખવી પડી કે, જ્યારે ત્રીજા વર્ગની મુસાફરીની હાડમારીઓ દૂર કરવાનું કામ થાળે પડતું જતું હતું. રેલવે તેમ જ સ્ટીમરોમાં ગરીબ વર્ગને પડતી અગવડો, તેમની પોતાની કુટેવોથી તેમાં થતો વધારો, વેપારને અંગે પરદેશી વેપારને સરકાર તરફથી મળતી અયોગ્ય સગવડો, વગેરે અત્યારે આપણા પ્રજાજીવનનો એક આખો નોખો અને અગત્યનો સવાલ છે, અને તેના ઉકેલ પાછળ એકબે બાહોશ અને ખંતીલા સજજન પોતાનો બધો વખત રોકે તો તે વધારે પડતું ન ગણાય.

પણ, આ ત્રીજા વર્ગની મુસાફરીની વાત હવે અહીંથી પડતી મેલી કાશીના અનુભવ ઉપર આવું. કાશી સવારના ઊતર્યો. મારે કોઈ પંડાને ત્યાં જ ઊતરવું હતું. ઘણા બ્રાહ્મણોએ મને વીંટી લીધો. તેમાંથી મને જે કંઈક સુઘડ અને સારો લાગ્યો તેનું ઘર પસંદ કર્યુ. મારી પસંદગી સરસ નીવડી. બ્રાહ્મણના આંગણામાં ગાય બાંધી હતી. ઉપર એક મેડી હતી ત્યાં મને ઉતારો આપ્યો. મારે વિધિસર ગંગાસ્નાન કરવું હતુ. ત્યાં લગી