પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઉપવાસ કરવો હતો. પંડાએ બધી તૈયારી કરી. મેં તેને કહી રાખ્યું હતું કે, મારાથી સવા રૂપિયા ઉપરાંત દક્ષિણા નહીં અપાય; એટલે તે જોગી તૈયારી કરે. પંડાએ વગર તકરારે મારી વિનંતી કબૂલ રાખી. 'અમે પૂજા તો એક જ સરખી ધનિક ગરીબ સહુને કરાવીએ, દક્ષિણા યજમાનની જેવી ઇચ્છા ને શક્તિ.' પંડાજીએ પૂજાવિધિમાં કંઇ ગોટો વાળ્યો એમ મને ન લાગ્યું. બારેક વાગ્યે પરવારીને હું કાશીવિશ્વનાથનાં દર્શન કરવા ગયો. ત્યાં જે જોયુ તેથી દુ:ખ જ પામ્યો.

મુંબઈમાં ૧૮૯૧ની સાલમાં જ્યારે હું વકીલાત કરતો હતો ત્યારે એક વાર પ્રાર્થના સમાજ મંદિરમાં 'કાશીની યાત્રા' નામનું વ્યાખ્યાન સાંભળ્યું હતું. એટલે, કંઈક નિરાશાને સારુ તો હું તૈયાર થઈ રહ્યો હતો. પણ જે નિરાશા થઈ તે ધાર્યા ઉપરાંત હતી.

સાંકડી લપસણી ગલીમાં થઈને જવાનું. શાંતિનું નામ જ નહીં. માખીઓનો બણબણાટ, મુસાફરો ને દુકાનદારોનો ઘોંઘાટ અસહ્ય લાગ્યાં.

જ્યાં મનુષ્ય ધ્યાન અને ભગવતચિંતનની આશા રાખે ત્યાં તેમાંનું કશું ન મળે ! ધ્યાન જોઈએ તો તે અંતરમાંથી મેળવવું રહ્યું. એવી ભાવિક બહેનોને મેં જોઈ ખરી કે જે પોતાની આસપાસ શું ચાલી રહ્યુ છે તે કશું જાણતી નહોતી, માત્ર પોતાના ધ્યાનમાં જ નિમગ્ન હતી. પણ એ કંઈ સંચાલકોની કૃતિ ન ગણાય. કાશીવિશ્વનાથની આસપાસ શાંત, નિર્મળ, સુગંધી, સ્વચ્છ વાતાવરણ-બાહ્ય તેમ જ આંતરિક-પેદા કરવું ને જાળવવું એ સંચાલકોનું કર્તવ્ય હોય. તેને બદલે મેં લુચ્ચાઓની છેલ્લી ઢબની મીઠાઈની અને રમકડાંની બજાર ભાળી.

મંદિરે પહોંચતા દરવાજા આગળ ગંધાતાં સડેલાં ફૂલ. માંહે સરસ આરસની ભોંય હતી. તેને કોઈ અંધશ્રધ્ધાળુએ રૂપિયાથી જડી ભાંગી નાંખી હતી : ને રૂપિયામાં મેલ ભરાયો હતો.

હું જ્ઞાનવાપી નજીક ગયો. મેં અહીં ઈશ્વરને ખોળ્યો, પણ ને ન જડ્યો. તેથી મનમાં ધૂધવાઇ રહ્યો હતો. જ્ઞાનવાપી પાસે પણ મેલ જોયો. કંઇ દક્ષિણા ધરવાની શ્રધ્ધા નહોતી. તેથી મેં તો ખરે જ એક દુકાની ધરી અને પૂજારી પંડાજી તપ્યા. તેમણે દુકાની ફેંકી દીધી, બેચાર ગાળો 'ચોપડાવી', ને બોલ્યા, 'તુ આમ અપમાન કરશે તો નરકમાં પડશે.'