પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું સ્વસ્થ હતો. મેં કહ્યું, 'મહારાજ, મારું તો થવાનું હશે તે થશે, પણ તમારા મોંમા એલફેલ ન શોભે. આ દુકાની લેવી હોય તો લો, નહીં તો એ પણ ખોશો.' 'જા તેરી દુકાની મુઝે ન ચાહિયે,' કહી વધારે સંભળાવી. હું દુકાની લઈ ચાલતો થયો ને માન્યું કે મહારાજે દુકાની ખોઇ ને મેં બચાવી. પણ મહારાજ દુકાની ખુએ તેવા નહોતા. તેમણે મને પાછો બોલાવ્યો, 'અચ્છા ધર દે. મૈ તેરે જૈસા નહીં હોના ચાહતા. મૈ ન લૂં તો તેરા બુરા હોવે.'

મેં મૂંગે મોઢે દુકાની આપી ને નિ:શ્વાસ મૂકી ચાલતો થયો. ફરી બે વાર કાશીવિશ્વનાથ જઈ ચૂક્યો છું, પણ તે તો 'મહાત્મા' બન્યા પછી. એટલે ૧૯૦૨ના અનુભવો તો ક્યાંથી પામું ? મારું 'દર્શન' કરવાવાળા મને દર્શન ક્યાંથી કરવાદે ? 'મહાત્મા નાં દુ:ખો તો મારા જેવા 'મહાત્મા' જ જાણે. બાકી ગંદકી ને ઘોંઘાટ તો મેં એવાં ને એવાં જ અનુભવ્યાં.

ભગવાનની દયા વિષે જો કોઈને શંકા હોય તો આવાં તીર્થક્ષેત્રો જુએ. તે મહા યોગી પોતાને નામે કેટલાં ધતિંગ, અધર્મ, પાખંડ, ઈત્યાદિ સહન કરે છે ! તેણે તો કહી મેલ્યું છે:

ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।

(એટલે કે 'કરણી તેવી ભરણી'. કર્મને મિથ્યા કોણ કરનારું છે ? પછી ભગવાનને વચમાં પડવાપણું જ ક્યાં છે ? તેણે તો પોતાનો કાયદો બનાવીને હાથ ધોઈ નાખ્યા છે.)

આ અનુભવ લઈ હું મિસિસ બેસંટનાં દર્શન કરવા ગયો. તેઓ તાજાં જ બિમારીમાંથી ઊઠયાં હતાં એ હું જાણતો હતો. મેં મારું નામ મોકલ્યુ. તેઓ તુરત આવ્યાં. મારે તો દર્શન જ કરવાં હતાં, તેથી મેં કહ્યું, 'આપની નાજુક તબિયત વિષે હું જાણું છુ. મારે તો આપનાં દર્શન જ કરવાં હતાં. નાજુક તબિયત છતાં આપે મને મળવાની રજા આપી એથી જ મને સંતોષ છે. આપને હું વધારે નહીં રોકું.'

કહી મેં રજા લીધી.