પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૧. મુંબઈમાં સ્થિર થયો?

ગોખલેની ભારે ઇચ્છા હતી કે હું મુંબઈમાં સ્થિર થાઉં, ત્યાં બારિસ્ટરનો ધંધો કરું ને તેમની સાથે જાહેર સેવામાં ભાગ લઉં. તે વખતે જાહેર સેવા એટલે મહાસભા સેવા હતું. તેમણે ઉત્પન્ન કરેલી સંસ્થાનો મુખ્ય ધંધો મહાસભાનું તંત્ર ચલાવવાનો હતો.

મારી પણ તે જ ઇચ્છા હતી. પણ ધંધો મળવા વિશે મને આત્મવિશ્વાસ નહોતો. આગલા અનુભવોનું સ્મરણ વીસરાયું નહોતું. ખુશામત કરવી ઝેરે જેવું હતું.

તેથી, પ્રથમ તો હું રાજકોટમાં જ રહ્યો. ત્યાં મારા પુરાણા હિતેચ્છુ ને મને વિલાયત મોકલનાર કેવળરામ માવજી દવે હતા. તેમણે મારા હાથમાં ત્રણ કેસ મૂક્યા. કાઠિયાવાડના જ્યુડિશિયલ આસિસ્ટંટની આગળ બે અપીલો હતી, અને એક મૂળ કેસ જામનગરમાં હતો. આકેસ અગત્યનો હતો. મેં આ કેસ ઉઠાવવા આનાકાની કરી. એટલે કેવળરામ બોલી ઊઠ્યા, 'હારશું તો અમે હારશું ના? તમે તમારે થાય તેટલું કરજો. હું પણ તમારી સાથે તો હોઈશ જ ના?'

આ કેસમાં મારી સામે મરહૂમ સમર્થ હતા. મારી તૈયારી ઠીક હતી. અહીંના કાયદાનું તો મને બહુ ભાન નહોતું. કેવળરામ દવેએ મને એ બાબત પૂરો તૈયાર કર્યો હતો. હું દક્ષિણ આફ્રિકા ગયો તે પહેલાં, 'પુરાવાનો કાયદો ફિરોજશાને મોઢે છે ને એ તેમની સફળતાની ચાવી છે,' એમ મિત્રો મને સંભળાવતા, તે મેં યાદ રાખેલું, ને દક્ષિણ આફ્રિકા જતાં મેં અહીંનો પુરાવાનો કાયદો ટીકા સહિત વાંચી કાઢ્યો હતો. સિવાય, દક્ષિણ આફ્રિકાનો અનુભવ તો હતો જ.

કેસમાં જીત મળી. આથી મને કંઈક વિશ્વાસ બેઠો. પેલી બે અપીલોને વિશે તો મને મૂળથી જ ધાસ્તી નહોતી. એટલે મુંબઈ જવાય તો ત્યાં પણ હરકત ન આવે એમ મનમાં લાગ્યું.

આ વિષય પર આવતાં પહેલાં જરા અંગ્રેજ અમલદારોના અવિચાર અને અજ્ઞાનનો અનુભવ કહી જાઉં. જ્યુડિશિયલ આસિસ્ટંટ કંઈ એક જગ્યાએ ન બેસતા, તેમની સવારી ફર્યા કરે. ને જ્યાં તેઓ સાહેબ જાય