પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં વકીલઅસીલોએ જવું રહ્યું. વકીલની ફી જેટલી મથકમાં હોય તેના કરતાં બહાર વધારે હોય જ. એટલે અસીલને સહેજે બમણું ખર્ચ પડે. આનો વિચાર જડજને કરવાનો હોય જ નહીં.

આ અપીલની સુનાવણી વેરાવળમાં હતી. વેરાવળમાં આ વખતે ઘણી સખત મરકી ચાલતી હતી. રોજના પચાસ કેસ થતા એવું મને સ્મરણ છે. ત્યાંની વસ્તી ૫,૫૦૦ જેટલી હતી. ગામ લગભગ ખાલી થઈ ગયું હતું. મારો ઉતારો ત્યાંની નિર્જન ધર્મશાળામાં હતો. ગામથી તે કંઈક દૂર હતી. પણ અસીલોનું શું? તેઓ ગરીબ હોય તો તેમનો ઈશ્વર ધણી.

મારા ઉપર વકીલ મિત્રોનો તાર હતો કે, મારે સાહેબને અરજી કરવી કે મરકીને લીધે છાવણી ફેરવે. સાહેબને અરજી કરતાં તેમણે મને પૂછ્યું, 'તમને કંઈ ભય લાગે છે ?'

મેં કહ્યું: 'મારા ભયનો આ સવાલ નથી. મને મારું સાચવી લેતાં આવડે છે એમ હું માનું છું. પણ અસીલોનું શું ?'

સાહેબ બોલ્યા, 'મરકીએ તો હિંદુસ્તાનમાં ઘર કર્યું છે. તેનાથી શું ડરવું? વેરાવળની હવા તો કેવી સુંદર છે! (સાહેબ ગામથી દૂર દરિયાકિનારે મહેલ જેવા તંબૂમાં રહેતા હતા.) લોકોએ આમ બહાર રહેતાં શીખવું જોઈએ.'

આ ફિલસૂફી આગળ મારું શું ચાલે ? સાહેબે શિરસ્તેદારને કહ્યું, 'મિ. ગાંધી કહે છે તે ધ્યાનમાં રાખજો, અને જો વકીલો અથવા અસીલોને બહુ અગવડ પડે એમ હોય તો મને જણાવજો.'

આમાં સાહેબે તો નિખાલસપણે પોતાની મતિ પ્રમાણે યોગ્ય જ કર્યું. પણ તેને હિંદુસ્તાનની અગવડોનું માપ કેમ આવે ? તે બિચારો હિંદુસ્તાનની હાજતો, ટેવો, કુટેવો, રિવાજો કેમ સમજે ? પંદર રૂપિયાની મહોરના માપવાળાને પાઈનું માપ આપીએ તે કેમ ઝટ ગણતરી કરી શકે ? શુભમાં શુભ ઇરાદા છતાં, હાથી જેમ કીડીને સારુ વિચાર કરવા અસમર્થ હોય, તેમ હાથીની હાજતવાળા અંગ્રેજ કીડીની હાજતવાળા હિંદીને સારુ વિચાર કરવા કે નિયમ દોરવા અસમર્થ જ હોય.

હવે મૂળ વિષય પર આવું.

ઉપર પ્રમાણે સફળતા મળ્યા છતાં, હું તો થોડો કાળ લગી રાજકોટમાં