પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રહી જવા વિચારી રહ્યો હતો. તેટલામાં એક દિવસ કેવળરામ મારી પાસે પંહોચ્યા ને બોલ્યા, 'ગાંધી, તમને અહીં નહીં રહેવા દઈએ. તમારે તો મુંબઈ જ જવું પડશે.'

'પણ ત્યાં મારો ભોજિયોય ધણી નથી થવાનો. મારું ખર્ચ તમે ચલાવશો કે ?'

'હા, હા. હું તમારું ખર્ચ ચલાવીશ. તમને મોટા બારિસ્ટર તરીકે કોઈ વાર અહીં લઈ આવશું ને લખાણબખાણનું કામ તમને ત્યાં મોકલીશું. બારિસ્ટરોને મોટાનાના કરવા એ તો અમારું વકીલોનું કામ છે ના? તમારું માપ તો તમે જામનગર ને વેરાવળમાં આપ્યું છે, એટલે હું બેફિકર છું. તમે જે જાહેર કામ કરવાને સરજાયેલા છો, તેને અમે કાઠિયાવાડમાં દફન થવા નહીં દઈએ. બોલો ક્યારે જાઓ છો ?'

'નાતાલથી મારા થોડા પૈસા આવવાના બાકી છે તે આવ્યે જઈશ.'

પૈસા બેક અઠવાડિયામાં આવ્યા ને હું મુંબઈ ગયો. પેઈન, ગિલબર્ટ ને સયાનીની ઓફિસમાં 'ચેમ્બર્સ' ભાડે રાખ્યા ને સ્થિર થવા લાગ્યો.


૨૨. ધર્મસંકટ

મેં ઓફિસ લીધી તેમ ગિરગામમાં ઘર લીધું. પણ ઇશ્વરે મને સ્થિર થવા ન દીધો. ઘર લીધાને બહુ દિવસ નહોતા થયા એટલમાં જ મારો બીજો દીકરો સખત બીમારીથી ઘવાયો. તેને કાળજ્વરે ઘેર્યો. તાવ ઊતરે નહીં. મૂંઝારો પણ સાથે, અને રાત્રે સન્નિપાતમાં ચિહ્ન પણ જણાયાં. આ વ્યાધિ પૂર્વે બચપણમાં તેને શીતળા પણ ખૂબ નીકળેલા.

મેં દાક્તરની સલાહ લીધી. દાક્તરે કહ્યું: ‘તેને સારુ દવા થોડું જ કામ કરશે. તેને ઈંડા અને મરઘીનો સેરવો આપવાની જરૂર છે.’

મણિલાલની ઉંમર દસ વર્ષની હતી. તેને તો મારે શું પૂંછવાપણું હોય ? હું તેનો વાલી રહ્યો. મારે જ નિર્ણય કરવો રહ્યો. દાક્તર એક બહુ ભલા પારસી હતા. ’દક્તર, અમે તો બધાં અન્નાહારી છીએ. મારો વિચાર મારા દીકરાને એ બેમાંથી એકે વસ્તુ આપવાનો નથી. બીજું કંઇ ન બતાવો ?’

દાક્તર બોલ્યા, ‘તમારા દીકરાનો જાન જોખમમાં છે. દૂધ અને પાણી