પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

‘હું તો પલળી ગયો છું. હવે મને કાઢોને ભાઇસાબ !’

મેં મણિલાલનું કપાળ તપાસ્યું. માથે મોતિયા બાજ્યા હતા. તાવ ઓછો થતો હતો. મેં ઈશ્વરનો પાડ માન્યો.

‘મણિલાલ, હવે તારો તાવ જશે. હજુ થોડો વધારે પરસેવો નહીં આવવા દે ?’

‘ના, ભાઇસાબ ! હવે તો મને છોડાવો. વળી બીજી વાર એવું કરજો.’

મને ધીરજ આવી હતી. એટલે વાતો કરાવી થોડી મિનિટો ગાળી. કપાળેથી પરસેવાના રેલા ચાલ્યા. મેં ચાદર છોડી. શરીર લૂછ્યું, ને બાપ-દીકરો સાથે સૂઇ ગયા. બન્નેએ ખૂબ નિંદ્રા લીધી.

સવારે મણિલાલનો તાવ હળવો જોયો. દૂધ ને પાણી તથા ફળ ઉપર તે ચાળીસ દિવસ રહ્યો. હું નિર્ભય બન્યો હતો. તાવ હઠીલો હતો, પણ કાબૂમાં આવ્યો હતો. આજે મારા બધા છોકરાઓમાં મણિલાલ શરીરે સહુથી વધારે મજબૂત છે.

તે રામની બક્ષિસ છે કે પાણીના ઉપચારની, અલ્પાહારની ને માવજતની, તેનું નિરાકરણ કોણ કરી શકે ? સહુ પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે ભલે કરે. મારી તો ઈશ્વરે લાજ રાખી એટલું મેં જાણ્યું ને આજ પણ એમ જ માનું છું.


૨૩. પાછો દક્ષિણ આફ્રિકા

મણિલાલ સાજો તો થયો, પણ મેં જોયું કે ગિરગામ વાળું મકાન રહેવા લાયક નહોતું. તેમાં ભેજ હતો. પૂરું અજવાળું નહોતું. ેથી રેવાશંકરભાઈની સાથે મસલત કરી અમે બંને એ મુંબઈના કોઈ પરામાં ખુલ્લી જદ્યામાં બંગલો લેવાનો નિશ્ચ્ય કર્યો. હું વાંદરા, સાંતાક્રુઝ વગેરેમાં ભટક્યો. વાંદરામાં કતલખાનું હતું તેથી વાંદરામાં રહેવાની અમારામાંથી કોઈની ઈચ્છા ન થઈ. ઘાટકુપર વગેરે દરિયાથી દૂર લાગ્યાં. સાંતક્રુઝમાં એક સુંદર બંગલો મળી આવ્યો તેમાં રહેવા ગયા, ને આરોગ્યની દ્રષ્ટિએ અમે સુરક્ષિત થયા એમ લાગ્યું. મેં ચર્ચગેટ જવાનો પહેલા વર્ગનો પાસ કઢાવ્યો. પહેલા વર્ગમાં ઘણી વાર હું એકલો જ હોઉં તેથી કામીક અભિમાન પણ માનતો એમ યાદ છે. ઘણી વેળા વાંદરાથી ચર્ચગેટ જતી ખાસ ગાડી