પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પકડવા સાંતાક્રુઝથી વાંદરા હું ચાલીને જતો.

મારો ધંધો, આર્થિક દ્રષ્ટિએ, મેં ધાર્યું હતું તેના કરતાં ઠીક ચાલ્યો એમ લાગ્યું. દક્ષિણ આફ્રિકાના અસીલો મને કંઈક કામ સોંપ્યા કરતા તેમાંથી મારું ખરચ સહેલાઈથી નભી રહેશે એમ મને લાગ્યું.

હાઇકોર્ટનું કામ તો મને હજુ કંઈ મળતું નહોતું. પણ તે વેળા ‘મૂટ’ (ચર્ચા) ચાલતી હતી તેમાં હું જતો. ભાગ લેવાની તો હિંમત નહોતી. મને યાદ છે કે તેમાં જમિયતરામ નાનાભાઈ સારો હિસ્સો લેતા. હાઈ કોર્ટમાં બીજા નવા બારિસ્ટરોની જેમ હું પણ કેસ સાંભળવા જતો. ત્યાં જાણવાનું મળતું તેના કરતાં સમુદ્રની હવા ફર ફર ચાલી આવતી તેમાં ઝોલું ખાવાની ગમ્મત ઠીક મળતી. બીજા પણ ઝોલું ખાનારા સાથીઓ હું જોતો, તેથી મને શરમ ન લાગતી. મેં જોયું કે ઝોલાં ખાવા એ ‘ફૅશન’ છે એમ ગણાતું.

હાઈકોર્ટના પુસ્તકાલયનો ઉપયોગ કરવા માંડ્યો ને ત્યાં કંઈ ઓળખાણો કરવા માંડી. મને લાગ્યું કે થોડા સમયમાં હું પણ હાઈકોર્ટમાં કામ કરતો થઈશ.

આમ એક તરફથી મારા ધંધા વિષે કંઈક નિશ્ચિતતા આવવા લાગી.

બીજી તરફ ગોખલેની આંખ તો મારી તરફ તરવર્યા જ કરતી હતી. અઠવાડિયામાં બેત્રણ વખત ચેમ્બરમાં આવી મારી ખબર કાઢી જાય ને પોતાના ખાસ મિત્રોને પણ કોઈ કોઈ વાર લઈ આવે. પોતાની કાર્ય કરવાની ઢબથી મને વાકે ફ કરતા જાય.

પણ મારા ભવિષ્યની બાબતમાં મારું ધાર્યું કંઈ જ ઇશ્વરે ઊભવા નથી દીધું એમ કહીએ તો ચાલે.

જ્યાં મેં સ્વસ્થ થવાનો નિશ્ચય કર્યો ને સ્વસ્થતા અનુભવી ત્યાં દક્ષિણ આફ્રિકાથી અણધાર્યો તાર આવ્યો; 'ચેમ્બરલેન અહીં આવે છે, તમારે આવવું જોઈએ.' મારું વચન તો મને યાદ જ હતું. મેં તાર દીધો, 'મારું ખરચ મોકલો, આવવા તૈયાર છું.' તેઓએ તુરત પૈસા મોકલ્યા ને ઓફિસ સંકેલી હું રવાના થયો.

મેં ધાર્યું હતું કે મને એક વર્ષ તો સહેજે ચાલ્યું જશે. બંગલો ચાલુ રાખ્યો ને બાળબચ્ચાં ત્યાં જ રહે એ ઈષ્ટ માન્યું.