પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું તે વેળા માનતો હતો કે, જે જુવાનિયાઓ દેશમાં ન કમાતા હોય ને સાહસિક હોય તેમણે દેશાવર નીકળી જવું એ સારું છે. તેથી મારી સાથે ચાર પાંચને લઈ ગયો. તેમાં મગનલાલ ગાંધી પણ હતા.

ગાંધી કુટુંબ મોટું હતું. આજ પણ છે. મારી દાનત એવી હતી કે તેમાંના જે સ્વતંત્ર થવા ઈચ્છે તે સ્વતંત્ર થાય. મારા પિતા ઘણાને નિભાવતા, પણ તે રજવાડાની નોકરીમાં. આ નોકરીમાંથી નીકળાય તો સારું એમ મને લાગ્યું. હું તેઓને નોકરી મેળવવામાં મદદ કરું તેમ નહોતું.શક્તિ હોય તોયે ઈચ્છા નહોતી.તેઓ તેમ જ બીજા સ્વાશ્રયી બને તો સારું એવી ધારણા હતી.

પણ છેવટે જેમ મારા આદર્શ આગળ ગયા (એમ હું માનું છું )તેમ આ જુવાનોના આદર્શોને પણ વાળવાનો મેં પ્રયત્ન કર્યો. તેમાં મગનલાલ ગાંધીને દોરવામાં હું બહુ સફળતા પામ્યો. પણ આ વિષય આગળ ઉપર હાથ લેવો પડશે.

બાળબચ્ચાંઓનો વિયોગ, બાંધેલો માળો તોડવો, નિશ્વિત વસ્તુમાંથી અનિશ્વિતમાં પ્રવેશ - આ બધું ક્ષણભર સાલ્યું. પણ હું તો અનિશ્વિત જિંદગીથી ટેવાઇ ગયો હતો. આ જગતમાં જ્યાં, ઈશ્વર કહો કે સત્ય કહો, તે સિવાય બીજું કંઇ જ નિશ્વિત નથી, ત્યાં નિશ્વિતપણાનો ખ્યાલ કરવો એજ દોષમય લાગે છે. આ જે બધું આપણી આસપાસ દેખાય છે ને બને છે તે બધું અનિશ્વિત છે, ક્ષણિક છે; તેમાં જે એક પરમતત્વ નિશ્વિતરૂપે છુપાયેલું છે તેની ઝાંખી સરખી થાય, તેની ઉપર શ્રધ્ધા રહે, તો જ જીવ્યું સાર્થક થાય. તેની શોધ એ જ પરમ પુરુષાર્થ છે.

હું ડરબન એક દિવસ પણ વહેલો પહોંચ્યો એમ ન કહેવાય. મારે સારુ કામ તૈયાર જ હતું. મિ. ચેમ્બરલેન પાસે ડેપ્યુટેશન જવાની તારીખ મુકરર થઈ ચુકી હતી. મારે તેમની સમક્ષ વાંચવાની અરજી ઘડવાની હતી ને ડેપ્યુટેશનની સાથે જવાનું હતું.