પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતાની જિંદગીનો વીમો ઉતરાવે. તમારે પણ તેમ કરી ભવિષ્યને સારુ નિશ્ચિંત થવું જોઈએ. જિંદગીનો ભરોસો તો છે જ નહીં. અમેરિકામાં અમે તો વીમો ઉતારવાને ધર્મ માનીએ છીએ. તમને એક નાની સરખી પૉલિસી કઢાવવા ન લલચાવી શકું?'

ત્યાર સુધી દક્ષિણ આફ્રિકામાં ને હિંદુસ્તાનમાં ઘણા દલાલોને મેં દાદ દીધેલી નહીં. મને લાગતું કે વીમો ઉતરાવવામાં કંઈક ભીરુતા ને ઈશ્વરને વિષે અવિશ્વાસ છે. પણ આ વેળા હું લલચાયો. પેલો જેમ વાત ક્રતો જાય તેમ મારી સામે પત્ની અને પુત્રોની છબી ખડી થાય. 'જીવ, તેં પત્નીના દાગીના લગભગ બધા વેચી નાંખ્યા છે. જો તને કંઈ થાય કરે તો પત્નીનો અને છોકરાઓના પાલનનો બોજો ગરીબ ભાઈ, જેમણે બાપનું સ્થાન લીધું છે ને શોભાવ્યું છે, તેમની જ ઉપર પડે ને? એ કંઈ યોગ્ય ન ગણાય.' આવી જાતની મારા મન સાથે દલીલ કરી ને મેં રૂ. ૧૦,૦૦૦ની પૉલિસી કઢાવી.

પણ દક્ષિણ આફ્રિકામાં મારી બદલાયેલી સ્થિતિએ મારા વિચારો બદલાવ્યા. દક્ષિણ આફ્રિકાની નવી આપત્તિને સમયે મેં જે જે પગલાં ભર્યાં તે ઈશ્વરને સાક્ષી રાખીને જ ભરેલાં. દક્ષિણ આફ્રિકામાં કેટલો સમય જશે તેની મને કંઈ જ ખબર નહોતી. મેં માનેલું કે હું હિંદુસ્તાન પાછો જવા નહીં પામું. મારે બાળાબચ્ચાંને સાથે જ રાખવાં જોઈએ. તેમનો વિયોગ હવે ન જ હોવો જોઈએ. તેમના ભરણપોષણનું પણ દક્ષિણ આફ્રિકામાં જ થવું જોઈએ. આમ વિચાર કરવાની સાથે જ પેલી પૉલિસી મને દુ:ખદ થઈ પડી. વીમાદલાલની જાળમાં ફસાયાને સારુ હું શરમાયો. 'ભાઈ જો બાપ જેવા છે તો તે નાના ભાઈની વિધવાનો બોજો ભારે ગણશે એમ તેં કેમ ધાર્યું? તું જ પહેલો મરશે એમ પણ કેમ ધાર્યું? પાલન કરનાર તો ઈશ્વર છે; નથી તું ને નથી ભાઈ. વીમો ઉતરાવીને તેં તારાં બાળબચ્ચાંને પણ પરાધીન બનાવ્યાં. તેઓ કેમ સ્વાવલંબી ન થાય? અસંખ્ય ગરીબોનાં બાળબચ્ચાંનું શું થાય છે? તું તને તેમના જેવા કાં ન ગણે?'

આમ વિચારોની ધારા ચાલી. તેનો અમલ એકાએક નહોતો કર્યો. એક લવાજમ તો દક્ષિણ આફ્રિકામાંથીયે આપ્યાનું મને સ્મરણ છે.