પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

યોગદર્શન' વાંચવું પડ્યું. ઘણાની સાથે ગીતાનો અભ્યાસ શરૂ થયો. એક નાનું સરખું 'જિજ્ઞાસુ મંડળ' નામે મંડળ પણ કાઢ્યું ને નિયમિત અભ્યાસ શરૂ થયો. ગીતાજી ઉપર મને પ્રેમ અને શ્રદ્ધા તો હતાં જ. હવે તેમાં ઊંડા ઊતરવાની આવશ્યકતા જોઇ. મારી પાસે એક બે તરજુમા હતા તેની મદદ વડે મૂળ સંસ્કૃત સમજી લેવાનો પ્રયત્ન કર્યો ને નિત્ય એક અથવા બે શ્લોક કંઠ કરવાનું ધાર્યું.

સવારના દાતણ અને સ્નાનનો સમય મેં કંઠ કરવાના ઉપયોગમાં લીધો. દાતણમાં પંદર મિનિટ ને સ્નાનમાં વીસ મિનિટ જતી. દાતણ અંગ્રેજી રીતે ઊભાં ઊભાં કરતો. સામેની દીવાલ ઉપર ગીતાના શ્લોક લખીને ચોંટાડતો ને તે જરૂર પ્રમાણે જોતો ને ગોખતો. આ ગોખેલા શ્લોકો પાછા સ્નાન લગીમાં પાકા થઈ જાય. દરમ્યાન પાછલા નિત્ય એક વાર બોલી જવાય. આમ કરીને મેં તેર અધ્યાય લગી મોઢે કરી લીધાનું સ્મરણ છે. પાછળથી વ્યવસાય વધ્યો. સત્યાગ્રહનો જન્મ થતાં ને તે બાળકને ઉછેરતાં મારો વિચાર કરવાનો સમય પણ એની ઉછેરમાં વીત્યો ને હજુ વીતી રહ્યો છે એમ કહી શકાય.

આ ગીતાવાચનની અસર મારા સહાધ્યાયીઓ ઉપર તો જે પડી હોય તે તેઓ જાણે, મારે સારુ તો તે પુસ્તક આચારનું એક પ્રૌઢ માર્ગદર્શક થઈ પડ્યું. તે પુસ્તક મારો ધાર્મિક કોષ થઈ પડ્યું. અજાણ્યા અંગ્રેજી શબ્દની જોડણી કે તેના અર્થને સારુ હું જેમ અંગ્રેજી શબ્દકોષ ગોખતો તેમ આચારની મુશ્કેલીઓ, તેના અટપટા કોરડા ગીતાજી પાસે ખોલાવતો. અપરિગ્રહ, સમભાવ વગેરે શબ્દોએ મને પકડ્યો. સમભાવ કેમ કેળવાય, કેમ જળવાય? અપમાન કરતા અમલદારો, લાંચ લેનારા અમલદારો, નકામો વિરોધ કરનારા ગઈ કાલના સાથીઓ વગેરે, અને જેમણે ભારે ઉપકાર કર્યો હોય એવા સજ્જનો વચ્ચે ભેદ નહીં એટલે શું? અપરિગ્રહ તે કેમ પળાતો હશે? દેહ છે એ ક્યાં ઓછો પરિગ્રહ છે? સ્ત્રીપુત્રાદિ પરિગ્રહ નથી તો શું? પુસ્તકોનાં થોથાંનાં કબાટો બાળી નાંખવાં? ઘર બાળીને તીર્થ કરવું? લાગલો જ જવાબ મળ્યો કે ઘર બાળ્યા વિના તીર્થ થાય જ નહીં. અંગ્રેજી કાયદાએ મદદ કરી. સ્નેલની કાયદાના સિદ્ધાંતોની ચર્ચા યાદ આવી. 'ટ્રસ્ટી' શબ્દનો અર્થ ગીતાજીના