પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરિવર્તન ન થયું. હું તેમને મારી પાસે ન ખેંચી શક્યો. એમાં તેમનો દોષ નથી. સ્વભાવને કોણ ફેરવી શકે? બળવાન સંસ્કારને કોણ ભૂંસી શકે? આપણે માનીએ કે, જેમ આપણામાં પરિવર્તન થાય કે વિકાસ થાય તેમ આપણાં આશ્રિતોમાં કે સાથીઓમાં પણ થવો જોઇએ, એ મિથ્યા છે.

માબાપ થનારની જવાબદારી કેવી ભયંકર છે તે આ દૃષ્ટાંત ઉપરથી કંઈક સમજાય છે.

૬. નિરામિષાહારને બલિદાન

જીવનમાં જેમ જેમ ત્યાગ અને સાદાઇ વધ્યાં અને ધર્મજાગૃતિ વધી તેમ તેમ નિરામિષાહારનો અને તેના પ્રચારનો શોખ વધતો ગયો. પ્રચારનું કામ મેં એક જ રીતે કરી જાણ્યું છેઃ આચારથી અને આચારની જોડે જિજ્ઞાસુ સાથે વાર્તાલાપથી.

જોહાનિસબર્ગમાં એક નિરામિષાહારી ગૃહ હતું. તે એક જર્મન જે ક્યુનીના જલોપચારને માનનારો હતો, તે ચલાવતો હતો. ત્યાં જવાનું મેં શરૂ કર્યું ને જેટલા અંગ્રેજ મિત્રોને ત્યાં લઈ જઈ શકાય તેટલાને તેને ત્યાં લઈ જતો. પણ મેં જોયું કે આ ગૃહ લાંબો સમય નહીં ચાલે. તેને પૈસાની તંગી તો તેમાં રહ્યા જ કરતી. મને યોગ્ય લાગી તેટલી મદદ મેં તેને કરી. કંઈક પૈસા ખોયા પણ ખરા. છેવટે તે બંધ થયું. થિયૉસૉફિસ્ટ ઘણા નિરામિષાહારી હોય છે. કોઇ પૂરા, કોઇ અધૂરા. આ મંડળની એક બાઇ સાહસિક હતી. તેણે મોટા પાયા ઉપર એક નિરામિષાહારી ગૃહ કાઢ્યું. આ બાઇને કલાનો શોખ હતો. ખર્ચાળ સારી પેઠે હતી, અને હિસાબનું બહુ ભાન નહોતું. તેનું મિત્રમંડળ ઠીક પ્રમાણમાં ગણાય. પ્રથમ તો એનું કામ નાના પાયા ઉપર શરૂ થયું, પણ તેણે તેમાં વધારો કરવાનો ને મોટી જગ્યા મેળવવાનો નિશ્ચય કર્યો. આમાં મારી મદદ માગી. તે વેળા તેના હિસાબ વગેરેની મને કશી ખબર નહોતી. તેની ગણતરીઓ યોગ્ય હશે એમ મેં માની લીધું. મારી પાસે સગવડ હતી. ઘણાં અસીલોનાં નાણાં મારી પાસે રહેતાં. તેમાંના એકની રજા લઈ તેનાં નાણાંમાંથી લગભગ એક હજાર પાઉંડ આપ્યા. આ અસીલ વિશાળ હ્રદયનો અને વિશ્વાસુ હતો. તે પ્રથમ ગિરમીટમાં આવેલો. તેણે કહ્યું, 'ભાઇ, આપકા દિલ ચાહે