પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મનુષ્યનો કુદરતી ખોરાક છે એ વાતનું પણ આ લેખકે બહુ સમર્થન કર્યું છે. કેવળ ફળાહારનો પ્રયોગ તો મેં આ વેળા ન આદર્યો, પણ માટીના ઉપચાર તરત શરૂ કર્યા. તેની મારા ઉપર અજાયબીભરેલી અસર થઈ. ઉપચાર આ પ્રમાણે હતો. સાફ ખેતરાઉ લાલ કે કાળી માટી લઈ, તેમાં માપસર ઠંડુ પાણી નાખી, સાફ ઝીણા પલાળેલા કપડા પર લપેટી, પેટ ઉપર મૂકી ને તેને પાટાથી બાંધી. આ લોપરી રાતના સૂતી વખતે બાંધતો અને સવારે અથવા રાતમાં જાગી જાઉં તો ત્યારે કાઢી નાખતો. તેથી મારી કબજિયાત નાબૂદ થઈ. આ માટીના ઉપચારો મેં ત્યાર બાદ મારા ઉપર ને મારા અનેક સાથીઓ ઉપર કર્યા અને ભાગ્યે કોઈને વિશે નિષ્ફળ ગયાનું મને સ્મરણ છે.

દેશમાં આવ્યા બાદ હું આવા ઉપચારો વિશે આત્મવિશ્વાસ ખોઈ બેઠો છું. પ્રયોગો કરવાનો, એક જગ્યાએ સ્થિર થઈ બેસવાનો, મને અવસર પણ નથી મળી શક્યો. છતાં માટીના ઉપચાર મારી પોતાની ઉપર તો હું કરું જ ને મારા સાથીઓને પણ પ્રસંગ આવ્યે સલાહ દઉં છું. જિંદગીમાં બે સખત માંદગીઓ ભોગવી છૂટ્યો છું, છતાં મારી માન્યતા છે કે મનુષ્યને દવા લેવાની ભાગ્યે જ જરૂર રહે છે. પથ્ય અને પાણી, માટી ઇત્યાદિના ઘરગથુ ઉપચારોથી એક હજારમાંથી નવસેં નવાણું કેસ સારા થઈ શકે છે.

ક્ષણે ક્ષણે વૈદ્ય, હકીમ અને દાક્તરને ત્યાં દોડવાથી ને શરીરમાં અનેક વસાણાં અને રસાયણો ભરવાથી મનુષ્ય પોતાનું જીવન ટૂંકું કરે છે, એટલું જ નહીં, પણ પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસે છે, તેથી મનુષ્યત્વ ખોઈ બેસે છે, અને શરીરનો સ્વામી રહેવાને બદલે શરીરનો ગુલામ બને છે.

માંદગીના બિછાનામાં પડ્યો આ હું લખી રહ્યો છું તેટલા સારુ આ વિચારોને કોઈ ન અવગણે. મારી માંદગીનાં કારણો હું જાણું છું. મારા જ દોષોને લીધે હું માંદો પડ્યો છું એનું મને પૂરેપૂરું જ્ઞાન અને ભાન છે. અને તે ભાન હોવાથી હું ધીરજ નથી ખોઈ બેઠો. એ માંદગીને મેં