પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઈશ્વરનો અનુગ્રહ માન્યો છે ને અનેક દવાઓ કરવાની લાલચથી દૂર રહ્યો છું. મારી હઠથી દાક્તર મિત્રોને હું કંટાળો આપું છું એમ પણ હું જાણું છું, પણ તેઓ ઉદારવૃત્તિથી મારી હઠને સહન કરે છે ને મારો ત્યાગ કરતા નથી.

પણ મારે અત્યારની મારી સ્થિતિનું વર્ણન લંબાવવું ન ઘટે. એટલે આપણે ૧૯૦૪-૫ના સમય તરફ વળીએ.

પણ તેનો આગળ વિચાર કરતાં પહેલાં વાંચનારને થોડી સાવચેતી આપવાની પણ જરૂર છે. આ વાંચીને જેઓ જુસ્ટનું પુસ્તક ખરીદે તેમણે તેમાંનું બધું વેદવાક્ય ન સમજવું. બધાં લખાણોમાં લેખકની એકાંગી દષ્ટિ ઘણે ભાગે હોય છે. પણ દરેક વસ્તુને ઓછામાં ઓછી સાત દષ્ટિએ જોઈ શકાય છે; ને તે તે દષ્ટિએ તે વસ્તુ ખરી હોય છે. પણ બધી દષ્ટિઓ એક જ વખતે ને એક જ પ્રસંગે ખરી ન જ હોય. વળી ઘણાં પુસ્તકોમાં ઘરાકીની અને નામની લાલચનો દોષ પણ હોય છે. એટલે જેઓ મજકૂર પુસ્તક વાંચે તેઓ વિવેકપૂર્વક વાંચે અને કંઈ પ્રયોગો કરવા હોય તો કોઈ અનુભવીની સલાહ મેળવે અથવા ધીરજપૂર્વક આવી વસ્તુનો થોડો અભ્યાસ કરી પ્રયોગોમાં ઊતરે.


૮. એક સાવચેતી

પ્રવાહપતિત કથાના પ્રસંગને હજુ આવતા પ્રકરણ લગી મુલતવી રાખવો પડશે.

ગયા પ્રકરણમાં માટીના પ્રયોગોને અંગે હું જે લખી ગયો તેના જેવો મારો ખોરાકનો પ્રયોગ પણ હતો, એટલે એ વિશે આ સમયે થોડું લખી નાખવું ઉચિત સમજું છું. બીજું કેટલુંક પ્રસંગોપાત્ત હવે પછી આવશે.

ખોરાકના મારા પ્રયોગો અને તેને વિશેના વિચારોનો વિસ્તાર આ પ્રકરણોમાં નહીં કરાય. એ વિશે મેં 'આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન' [૧]

નામે પુસ્તક દક્ષિણ આફ્રિકામાં 'ઇન્ડિયન ઑપીનિયન'ને સારુ લખેલું તેમાં વિસ્તારપૂર્વક લખ્યું છે. મારાં નાનાં નાનાં પુસ્તકોમાં એ પુસ્તક પશ્ચિમમાં

  1. ગાંધીજીના આ વિષય પરના છેલ્લા વિચારો માટે એમણે ૧૯૪૨માં લખેલું 'આરોગ્યની ચાવી' એ પુસ્તક (પ્રકાશક: નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ- ૧૪) જુઓ.