પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વૈદ્યોએ મને ચરક ઇત્યાદિમાંથી શ્લોકો સંભળાવ્યા કે, વ્યાધિને દૂર કરવા સારુ ખાદ્યાખાદ્યનો બાધ હોય નહીં ને માંસાદિ પણ ખવાય. આ વૈદ્યો મને દૂધના ત્યાગમાં કાયમ રહેવાની મદદ કરી શકે તેમ નહોતું. જ્યાં 'બીફ ટી' અને બ્રૅંડીને સ્થાન છે ત્યાંથી દૂધના ત્યાગમાં મદદ ક્યાંથી મળે ? ગાયભેંસનું દૂધ તો લેવાય જ નહીં. મને વ્રત હ્તું. વ્રતનો હેતુ તો દૂધમાત્રનો ત્યાગ કરવાનો હતો. પણ વ્રત લેતી વખતે મારી સામે ગાય અને ભેંસમાતા જ હતાં તેથી અને જીવવાની આશાએ મેં મનને જેમતેમ ફોસલાવી લીધું. વ્રતનો અક્ષર પાળ્યો ને બકરીનું દૂધ લેવાનો નિશ્ચય કર્યો. મારા વ્રતનો આત્મા હણાયો એમ મેં બકરીમાતાનું દૂધ લેતી વેળા પણ જાણ્યું.

પણ મારે 'રૉલેટ ઍક્ટ સામે ઝૂઝવું હતું, એ મોહ મને મૂકતો નહોતો. તેથી જીવવાની પણ ઈચ્છા રહી ને જેને હું મારા જીવનનો મહાન પ્રયોગ માનું છું તે અટક્યો.

ખાવાપીવાની સાથે આત્માને સંબંધ નથી, તે નથી ખાતો, નથી પીતો, જે પેટમાં જાય છે તે નહીં, પણ જે વચનો અંદરથી નીકળે છે તે હાનિલાભ કરે છે વગેરે દલીલો હું જાણું છું. એમાં તથ્યાંશ છે, પણ દલીલમાં ઊતર્યા વિના અહીં તો મારો દઢ નિશ્ચય જ મૂકી દઉં છું કે, જે મનુષ્ય ઈશ્વરથી ડરીને ચાલવા ઈચ્છે છે, જે ઈશ્વરનાં પ્રત્યક્ષ દર્શન કરવા ઈચ્છે છે, એવા સાધકને મુમુક્ષુને સારુ પોતાના ખોરાકની પસંદગી-ત્યાગ અને સ્વીકાર- એટલાં જ આવશ્યક છે, જેટલાં વિચાર અને વાચાની પસંદગી-ત્યાગ અને સ્વીકાર-આવશ્યક છે.

પણ જે બાબતમાં હું પોતે પડ્યો છું તે બાબતમાં બીજાઓને મારે આધારે ચાલવાની હું સલાહ ન આપું એટલું જ નહીં, પણ તેમને રોકું. તેથી આરોગ્યના પુસ્તકને આધારે પ્રયોગો કરનારાં બધાં ભાઈબહેનોને હું સાવધાન કરવા ઈચ્છું છું. દૂધનો ત્યાગ સર્વાંશે લાભદાયી લાગે, અથવા અનુભવી વૈદ્યદાક્તરોની તેનો ત્યાગ કરવાની સલાહ હોય તે સિવાય, કેવળ મારા પુસ્તકને આધારે તેઓ દૂધનો ત્યાગ ન કરે. અહીંનો મારો અનુભવ અત્યાર લગી તો મને એમ સૂચવે છે કે જેની હોજરી મંદ થઈ છે ને જે પથારીવશ થયો છે તેને સારુ દૂધ જેવો બીજો હલકો તથા