પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોષક ખોરાક જ નથી. તેથી દૂધની મર્યાદા જે એ પુસ્તકમાં સૂચવી છે તે પર હઠ નરાખવા તે પુસ્તક વાંચનારને મારી વિનંતી અને ભલામણ છે.

આ પ્રકરણના વાંચનાર કોઈ વૈદ્ય, દાક્તર, હકીમ કે બીજા અનુભવી દૂધની અવેજીમાં તેટલી જ પોષક તથા પાચક વનસ્પતિ, પોતાના વાંચનના આધારે નહીં પણ અનુભવના આધારે, જાણતા હોય તો મને જણાવી મારા ઉપર ઉપકાર કરે.


૯. બળિયા સાથે બાથ

હવે એશિયાઈ અમલદારો તરફ નજર કરીએ.

એશિયાઈ અમલદારોનું મોટામાં મોટું થાણું જોહાનિસબર્ગમાં હતું. એ થાણામાં હિંદી, ચીના વગેરેનું રક્ષણ નહીં પણ ભક્ષણ થતું હતું એમ હું જોઈ રહ્યો હતો. મારી પાસે રોજ ફરીયાદો આવે: 'હકદાર દાખલ થઈ નથી શકતા. ને બેહક સો સો પાઉંડ આપીને આવ્યે જાય છે. આનો ઇલાજ તમે ન કરો તો કોણ કરશે ?' મને પણ એવી જ લાગણી હતી. જો આ સડો ન નીકળે તો મારું ટ્રાન્સવાલમાં વસવું ફોગટ ગણાય.

હું પુરાવા એકઠા કરવા લાગ્યો. જ્યારે મારી પાસે ઠીક જમાવ થયો ત્યારે હું પોલીસ કમિશનરની પાસે પહોંચ્યો. તેનામાં દયા અને ઇન્સાફ હતાં એમ મને લાગ્યું. મારી વાત છેક કાઢી નાખવાને બદલે તેણે ધીરજથી સાંભળી ને પુરાવા રજૂ કરવા કહ્યું. સાક્ષીઓને પોતે જ તપાસ્યા. તેની ખાતરી થઈ. પણ જેમ હું જાણતો હતો તેમ તે પણ જાણતો હતો કે દક્ષિણ આફ્રિકામાં ગોરા પંચોની પાસે ગોરા ગુનેગારને દંડ દેવડાવવો એ મુશ્કેલ હતું. 'તોપણ આપણે મહેનત તો કરીએ. આવા ગુનેગાર જૂરીને હાથે છૂટી જશે એવી બીકથી તેમને ન પકડાવવા એ પણ બરોબર નથી. એટલે હું તો તેમને પકડાવીશ. મારી મહેનતમાં કચાશ નહીં રાખું એટલી તમને ખાતરી આપું છું.'

મને ખાતરી હતી જ. બીજા અમલદારો ઉપર પણ શક તો હતો, પણ તેમની સામે મારી પાસે કાચો પુરાવો હતો. બેને વિષે મુદ્દલ શક નહોતો. તેથી બેની ઉપર વૉરન્ટ નીકળ્યાં.

મારી હિલચાલ છૂપી રહી જ ન શકે તેવી હતી. હું લગભગ રોજ