પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોલીસ કમિશનરને ત્યાં જાઉં એ ઘણા દેખે. આ બે અમલદારોના નાનામોટા જાસૂસો તો હતા જ. તેઓ મારી ઑફિસની ચોકી કરે ને મારી આવજાના ખબર પેલા અમલદારોને આપે. અહી મારે એટલું કહેવું જોઈએ કે મજકૂર અમલદારોનો ત્રાસ એટલો બધો હતો કે તેમને બહુ જાસૂસો નહોતા મળતા. હિંદીઓની તેમ જ ચીનાની મને મદદ ન હોત તો આ અમલદારો ન જ પકડાત.

આ બેમાંથી એક અમલદાર ભાગ્યો. પોલીસ કમિશનરે બહારનું વૉરન્ટ કઢાવી તેને પકડાવ્યો ને પાછો આણ્યો. કેસ ચાલ્યો. પુરાવા પણ સરસ પડયા. છતાં, અને એક તો ભાગ્યો હતો એમ જૂરીની પાસે પુરાવો પડયો હતો તોપણ, બંને છૂટી ગયા !

હું બહુ નિરાશ થયો. પોલીસ કમિશનરને પણ દુ:ખ થયું. વકિલના ધંધા પ્રત્યે મને અણગમો ઉત્પન્ન થયો. બુદ્ધિનો ઉપયોગ ગુનો છુપાવવામાં થતો જોઇ મને બુદ્ધિ જ અળખામણી લાગી.

બન્ને અમલદારોનો ગુનો એટલો પ્રસિદ્ધ થઈ ગયો હતો કે તેઓ છૂટ્યા છતાં સરકાર તેમને સંઘરી તો ન જ શકી. બન્નેને બરતરફી મળી ને એશિયાઈ થાણું કંઇક ચોખ્ખું થયું. કોમને હવે ધીરજ આવી અને હિંમત પણ આવી.

મારી પ્રતિષ્ઠા વધી. મારો ધંધો પણ વધ્યો. કોમના સેંકડો પાઉંડ દર માસે લાંચમાં જ જતા તેમાંથી ઘણા બચ્યા. બધા બચ્યા અમ તો ન જ કહી શકાય. અપ્રામાણિક તો હજુયે ચરી ખાતા હતા. પણ પ્રામાણિક પોતાની પ્રામાણિકતા જાળવી શકવા પામ્યા એમ કહી શકાય.

હું કહી શકું છું કે આ અમલદારો આવા અધમ હતા છતાં તેઓ સામે અંગત મને કંઇ જ નહોતું. આ મારો સ્વભાવ તેઓ જાણતા હતા. અને જ્યારે તેમને તેમની કંગાળ હાલતમાં મદદ કરવાનો પ્રસંગ મને આવેલો ત્યારે મેં મદદ પણ કરેલી. જોહાનિસબર્ગની મ્યુનિસિપાલિટીમાં જો હું વિરોધ ન કરું તો તેમને નોકરી મળે તેમ હતું. તેમનો મિત્ર મને મળ્યો, ને મેં તેમને નોકરી મળવામાં મદદ કરવાનું કબૂલ કર્યુ. તેમને નોકરી પણ મળી.

આ પગલાની અસર એ થઈ કે, જે ગોરા વર્ગના સંબંધમા હું આવ્યો