પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘણાં આચરણો તેને આજ પણ નહીં ગમતાં હોય એવો સંભવ છે. તેને વિષે ચર્ચા અમે કદી કરતાં નથી, કરવામાં સાર નથી. તેને નથી તેનાં માબાપે કેળવણી આપી, કે નથી જયારે સમય હતો ત્યારે હું આપી શકયો. પણ તેનામાં એક ગુણ બહુ મોટા પ્રમાણમાં છે જે બીજી ઘણી હિંદુ સ્રીઓમાં ઓછાવતા પ્રમાણમાં રહેલો છે. મને કમને, જ્ઞાનથી અજ્ઞાનથી, મારી પાછળ ચાલવામાં તેણે પોતાના જીવનની સાર્થકતા માની છે, અને સ્વચ્છ જીવન ગાળવાના મારા પ્રયત્નમાં મને કદી રોકયો નથી. આથી, જોકે અમારી બુદ્ધિશક્તિમાં ઘણું અંતર છે છતાં અમારું જીવન સંતોષી, સુખી અને ઊર્ધ્વગામી છે એમ મને લાગ્યું છે.


૧૧. અંગ્રેજોના ગાઢ પરિચયો

પ્રકરણ લખતાં એવો પ્રસંગ આવ્યો છે કે સત્યના પ્રયોગોની આ કથા કેવી રીતે લખાઈ રહી છે તે મારે વાંચનારને જણાવવું જોઈએ.

જ્યારે કથા લખવાનો આરંભ કર્યો ત્યારે મારી પાસે કશી યોજના તૈયાર નહોતી. મારી પાસે કંઈ પુસ્તકો, રોજનીશી કે બીજાં કાગળિયાં રાખીને હું આ પ્રકરણો નથી લખતો. લખવાને દિવસે જેમ મને અંતર્યામી દોરે છે તેમ લખું છું એમ કહી શકાય. જે ક્રિયા મારામાં ચાલે છે તે અંતર્યામીની છે એમ કહી શકાય કે નહીં એ હું નિશ્ચયપૂર્વક નથી જાણતો. પણ ઘણાં વર્ષોથી જે પ્રમાણે મેં મારાં મોટામાં મોટાં કહેવાય છે તે અને નાનામાં નાનાં ગણાય તે કાર્યો કર્યા છે, તે તપાસતાં તે અંતર્યામીનાં પ્રેરાયેલાં થયાં છે એમ કહેવું મને અઘટિત નથી લાગ્યું.

અંતર્યામીને મેં જોયો નથી, જાણ્યો નથી. જગતની ઈશ્વર વિષેની શ્રદ્ધાને મેં મારી કરી લીધી છે. એ શ્રદ્ધ કોઈ રીતે ભૂંસી શકાય એવી નથી, તેથી તેને શ્રદ્ધારૂપે ઓળખતો મટી અનુભવરૂપે જ હું ઓળખું છું. છતાં એને એમ અનુભવરૂપે ઓળખાવવી એ પણ સત્ય ઉપર એક પ્રકારનો પ્રહાર છે, તેથી તેને શુદ્ધરૂપે ઓળખાવનારો શબ્દ મારી પાસે નથી એમ કહેવું એ જ કદાચ વધારે યોગ્ય હોય.

એ અદૃષ્ટ અંતર્યામીને વશ વર્તીને આ કથા હું લખી રહ્યો છું એવી મારી માન્યતા છે.