પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખૂબ કૂદી શકે. માર સહન કરવાની શકિત પણ તેવી જ. આ શકિતનું પ્રદર્શન પણ મને વખતોવખત કરાવે. પોતાનામાં જે શકિત ન હોય તે બીજાનામાં જોઇને મનુષ્‍ય આશ્ર્ચર્ય પામે જ છે. તેવું મને થયું. આશ્ર્ચર્યમાંથી મોહ પેદા થયો. મારામાં દોડવાકૂદવાની શકિત નહીં જ જેવી હતી. હું પણ આ મિત્રના જેવો બળવાન થાઉં તો કેવું સારું !

વળી હું બહુ બીકણ હતો. ચોરના, ભૂતના, સર્પાદિના ભયોથી ઘેરાયેલો રહેતો. આ ભય મને પીડતા પણ ખૂબ. રાતના એકલા કયાંયે જવાની હિંમત ન મળે. અંધારામાં તો કયાંયે ન જાઉં. દીવા વિના સૂવું લગભગ અશકય. રખે અહીંથી ભૂત આવે. ત્‍યાંથી ચોર, ત્રીજી જગ્‍યાએથી સર્પ ! એટલે દીવો તો જોઇએ જ. પાસે સૂતેલી અને હવે કાંઇક જુવાનીમાં આવેલી સ્‍ત્રીની પાસે પણ આ મારી બીકની વાત હું કેમ કરી શકું ? મારા કરતાં તે વધારે હિંમતવાન હતી એટલું હું સમજી ગયો હતો, અને શરમાતો હતો. તેણે સર્પાદિનો ભય તો કદી જાણ્‍યો જ નહોતો. અંધારામાં એકલી ચાલી જાય. આ મારી નબળાઇઓની પેલા મિત્રને ખબર હતી. તે તો જીવતા સર્પોને પણ હાથે પકડે એમ મને કહે. ચોરથી ન જ ડરે. ભૂતને તો માને જ નહીં. આ બધું માંસાહારને પ્રતાપે છે એમ તેણે મને ઠસાવ્‍યું.

આ જ દિવસોમાં નર્મદનું નીચલું કાવ્‍ય નિશાળોમાં ગવાતું :

અંગ્રેજો રાજય કરે , દેશી રહે દબાઈ
દેશી રહે દબાઈ, જોને બેનાં શરીર ભાઈ
પેલો પાંચ હાથ પૂરો, પૂરો પાંચસેને.

આ બધાની મારા મન ઉપર પૂરી અસર થઇ. હું પીગળ્યો. માંસાહાર સારી વસ્‍તુ છે, તેથી હું બળવાન ને હિંમતવાન થઇશ. દેશ આખો માંસાહાર કરે તો અંગ્રેજોને હરાવી શકાય, એમ હું માનતો થયો.

માંસાહારનો આરંભ કરવાનો દિવસ મુકરર થયો.

આ નિશ્ર્ચય – આ આરંભ – નો અર્થ બધા વાંચનાર નહીં સમજી શકે. ગાંધી કુટુંબ વૈષ્‍ણવ સંપ્રદાયનું. માતપિતા અતિશય ચુસ્‍ત ગણાતાં. હવેલીએ હંમેશાં જાય. કેટલાંક મંદિરો તો કુટુંબના જ ગણાય. વળી