પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગયું પ્રકરણ જ્યારે મેં શરૂ કર્યું ત્યારે તેનું મથાળું ’અંગ્રેજોના પરિચયો’ એમ કર્યું હતું. પણ પ્રકરણ લખતાં મેં જોયું કે એ પરિચયો ઉપર હું આવું તે પહેલાં મેં જે લખ્યું તે પુણ્યસ્મરણ લખવાની આવશ્યકતા હતી. એટલે તે પ્રકરણ લખાયું, અને લખાઈ રહ્યા પછી પ્રથમનું મથાળું બદલવું પડ્યું.

હવે આ પ્રકરણમાં લખતાં વળી નવું ધર્મસંકટ ઉત્પન્ન થયું છે. અંગ્રેજોના પરિચયો આપતાં શું કહેવું ને શું ન કહેવું એ મહત્વનો પ્રશ્ન થઈ પડ્યો છે. જે પ્રસ્તુત હોય તે ન કહેવાય તો સત્યને ઝાંખપ લાગે. પણ આ કથા લખવી એ જ કદાચ પ્રસ્તુત ન હોય ત્યાં પ્રસ્તુત અપ્રસ્તુત વચ્ચેના ઝઘડાનો ન્યાય એકાએક આપવો મુશ્કેલ થઈ પડે છે.

આત્મકથામાત્રની ઇતિહાસ તરીકેની અપૂર્ણતા ને તેની મુશ્કેલીઓ વિષે મેં પૂર્વે વાંચેલું તેનો અર્થ આજે હું વધારે સમજું છું. સત્યના પ્રયોગોની આત્મકથામાં જેટલું મને યાદ છે તેટલું બધુંય હું નથી જ આપતો એ હું જાણું છું. સત્યને દર્શાવવા સારુ મારે કેટલું આપવું જોઈએ એની કોને ખબર ? અથવા એકતરફી અધૂરા પુરાવાની કિંમત ન્યાયમંદિરમાં શી અંકાય ? લખાયેલાં પ્રકરણો ઉપર કોઈ નવરો મારી ઊલટતપાસ કરવા બેસે તો કેટલું બધું અજવાળું આ પ્રકરણો ઉપર પાડે ? અને જો વળી તે ટીકાકારની દૃષ્ટિએ તપાસ કરે તો કેવાં ’પોકળો’ પ્રકટ કરી જગતને હસાવે ને પોતે ફુલાય ?

આમ વિચારતાં ઘડીભર એમ જ થઈ આવે છે કે આ પ્રકરણો લખવાનું માંડી વાળવું એ જ વધારે યોગ્ય ન હોય ? પણ આરંભેલું કામ અનીતિમય છે એમ જ્યાં લગી સ્પષ્ટ ન દેખાય ત્યાં લગી તે ન છોડવું એ ન્યાયે, જ્યાં સુધી અંતર્યામી ન અટકાવે ત્યાં સુધી આ પ્રકરણો લખ્યા કરવાં એ નિશ્ચય ઉપર આવું છું.

આ કથા ટીકાકારોને સંતોષવા નથી લખાતી. સત્યના પ્રયોગોમાંનો આ પણ એક પ્રયોગ જ છે. વળી સાથીઓને તેમાંથી કંઈક આશ્વાસન મળે એ દૃષ્ટિ તો છે જ. આનો આરંભ જ તેમના સંતોષને ખાતર છે. સ્વામી આનંદ અને જેરામદાસ મારી પૂંઠે ન વળગત તો આ આરંભ કદાચ ન જ થાત. તેથી જો આ લખવામાં દોષ થતો હશે તો તેમાં