પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેઓ ભાગીદાર છે.

હવે મથાળાને અનુસરું. જેમ મેં હિંદી મહેતાઓ અને બીજાઓને ઘરમાં કુટૂંબી તરીકે રાખ્યા તેમ જ અંગ્રેજોને રાખતો થઈ ગયો. આ મારી વર્તણૂક મારી સાથે રહેનારા બધાને અનુકૂળ નહોતી. પણ મેં હઠપૂર્વક તેમને રાખેલા. બધાને રાખવામાં હંમેશાં ડહાપણ જ કર્યું એમ ન કહેવાય. કેટલાક સંબંધોથી કડવા અનુભવો પણ થયા. પણ તે અનુભવ તો દેધી પરદેશી બન્નેને અંગે થયેલા. કડવા અનુભવોને સારુ મને પ્રશ્ચાત્તાપ નથી થયો. કડવા અનુભવો છતાં, અને મિત્રોને અગવડો પડે છે, સોસવું પડે છે એ જાણ્યા છતાં, મારી ટેવ મેં બદલી નથી, ને મિત્રોએ તેને ઉદારતાપૂર્વક સહન કરી છે. નવા નવા માણસોની સાથેના સંબંધો જ્યારે મિત્રોને દુઃખદ નીવડ્યા છે ત્યારે તેમનો દોષ કાઢતાં હું અચકાયો નથી. મારી એવી માન્યતા છે કે આસ્તિક મનુષ્યો, જેમણે પોતામાં રહેલા ઈશ્વરને બધામાં જોવો રહ્યો છે તેમનામાં સહુની જોડે અલિપ્ત થઈને રહેવાની શક્તિ આવવી જોઈએ. અને તે શક્તિ, જ્યાં જ્યાં અણશોધ્યા અવસર આવે ત્યાં ત્યાં, તેથી દૂર ન ભાગતાં, માત્ર નવા નવા સંબંધોમાં પડીને અને તેમાં પડતાં છતાં રાગદ્વેષરહિત રહીને જ કેળવી શકાય છે.

એટલે જ્યારે બોઅર-બ્રિટિશ યુદ્ધ શરૂ થયું ત્યારે મારું ઘર ભરેલું છતાં મેં જોહાનિસબર્ગથી આવેલા બે અંગ્રેજોને સંઘર્યા. બન્ને થિયૉસૉફિસ્ટ હતા. તેમાંના એકનું નામ કિચન હતું, જેમનો પ્રસંગ આપણને હવે પછી પણ કરવો પડશે. આ મિત્રોના સહવાસે પણ ધર્મપત્નીને તો રડાવી જ હતી. તેને નસીબે મારે નિમિત્તે રડવાના પ્રસંગો તો અનેક આવ્યા છે. આટલા નિકટ સંબંધમાં કંઈ પણ પડદા વિના અંગ્રેજોને ઘરમાં રાખવાનો મારો આ પહેલો અનુભવ હતો. ઇંગ્લંડમાં હું તેમના ઘરમાં રહેલો ખરો. ત્યારે તેમની રહેણીને હું વશ રહ્યો હતો, ને તે રહેવું લગભગ વીશીમાં રહેવા જેવું હતું. અહીં તેથી ઊલટું હતું. આ મિત્રો કુટુંબીજન થયા. તેઓ ઘણે અંશે હિંદી રહેણીને અનુસર્યા. ઘરમાં બહારનું રાચરચીલું જોકે અંગ્રેજી ઠબનું હતું, છતાં અંદરની રહેણી અને ખોરાક વગેરે મુખ્યત્વે હિંદી હતાં. તેમને રાખતાં જોકે કેટલીક મુશ્કેલીઓ ઊભી થયાનું મને