પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેણે દૃઢતાપૂર્વક જવાબ આપ્યો, ’મુદ્દલ નહીં.’

’તમને પગાર શું જોઈએ ?’

’સાડા સત્તર પાઉંડ તમે વધારે ગણશો ?’ તેણે જવાબ આપ્યો.

’તમારી હું જે આશા રાખું છું તે કામ તમે આપશો તો હું મુદ્દલ વધારે નથી ગણતો. તમે ક્યારે કામે ચડી શકશો ?’

’તમે ઈચ્છો તો હમણાં જ.’

હું બહુ રાજી થયો ને તે બાઈને તે જ વખતે મારી સામે બેસાડીને કાગળો લખાવવાનું શરૂ કર્યું.

એણે કંઈ મારી મહેતીનું નહીં, પણ હું એમ માનું છું કે સગી સીકરીનું કે બહેનનું પદ તુરત જ સહેજે લઈ લીધું. મારે તેને કદી ઊંચે સાદે કંઈ કહેવું નથી પડ્યું. ભાગ્યે જ તેના કામમાં ભૂલ કાઢવી પડી હોય. હજારો પાઉંડનો વહીવટ પણ એક વેળા તેના હાથમાં હતો, અને ચોપડા પણ તે રાખતી થઈ ગઈ હતી. તેણે તો મારો વિશ્વાસ સંપૂર્ણપણે સંપાદન કર્યો હતો, પણ તેની ગુહ્યતમ ભાવનાઓ જાણવા જેટલો વિશ્વાસ હું સંપાદન કરી શક્યો હતો તે મારે મન મોટી વાત હતી. તેનો સાથી પસંદ કરવામાં તેણે મારી સલાહ લીધી. કન્યાદાન આપવાનું સદ્‌ભાગ્ય પણ મને જ પ્રાપ્ત થયું. મિસ ડિક જ્યારે મિસિસ મૅકડોનલ્ડ થયાં ત્યારે મારાથી તેણે છૂટાં તો પડવું જ જોઈએ. જોકે વિવાહ પછી પણ ભીડને પ્રસંગે તેની પાસેથી હું ગમે ત્યારે કામ લેતો.

પણ ઑફિસમાં જાથુ એક શોર્ટહૅન્ડ રાઇટરની જરૂર તો હતી જ. એ પણ મળી રહી. આ બાઈનું નામ મિસ શ્લેશિન. તેને મારી પાસે લાવનાર મિ. કૅલનબૅક હતા, જેમની ઓળખાણ વાંચનાર હવે પછી કરશે. આ બાઈ એક હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરે છે. મારી પાસે તે આવી ત્યારે તેની ઉંમર સત્તર વર્શની હશે. તેની કેટલીક વિચિત્રતાથી મિ. કૅલનબૅક અને હું હારતા. તે કંઈ નોકરી કરવા નહોતી આવી. તેને તો અનુભવો મેળવવા હતા. તેના હાડમાં ક્યાંય રંગદ્વેષ નહોતો જ. તેને કોઈની પરવા પણ નહોતી. ગમે તેનું અપમાન કરતાં ન ડરે, અને પોતાના મનમાં જેને વિષે જે વિચાર આવે તે કહેતાં સંકોચ ન રાખે. આ સ્વભાવથી તે કેટલીક વાર મને મુશ્કેલીમાં મૂકતી, પણ તેનો