પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નિખાલસ સ્વભાવ બધી મુશ્કેલીઓ દૂર કરતો. તેનું અંગ્રેજી જ્ઞાન મેં હમેશાં મારા કરતાં ઊંચા પ્રકારનું માન્યું હતું તેથી, ને તેની વફાદારી ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી તેણે ટાઇપ કરેલા ઘણા કાગળોમાં હું ફરી તપાસ્યા વિના સહી કરતો.

તેની ત્યાગવૃત્તિનો પાર નહોતો. તેણે મારી પાસેથી ઘણા કાળ લગી તો દર માસે છ જ પાઉંડ લીધા, ને છેવટ લગી દસ પાઉંડ કરતાં વધારે લેવાની તેણે ચોખ્ખી ના જ પાડી. હું જો વધારે લેવાનું કહું તો મને ધમકાવતી ને કહેતી, ’હું કંઈ પગાર લેવા નથી રહી. મને તો તમારી સાથે આ કામ કરવું ગમે છે ને તમારા આદર્શો મને ગમે છે તેથી રહી છું.’

મારી પાસેથી તેણે તેને જરૂર હોવાથી ૪૦ પાઉંડ લીધેલા, પણ તે ઉછીના કહીને. ગયે વર્ષે તે બધા પૈસા તેણે પાછા મોકલી દીધા.

તેની ત્યાગવૃત્તિ જેવી તીવ્ર હતી તેવી જ તેની હિમત હતી. સ્ફટિકમણિ જેટલી પવિત્રતાવાળી અને ક્ષત્રીને અંજાવે એવી વીરતાવાળી બાઈઓને મળવાનું સદ્‌ભાગ્ય મને પ્રાપ્ત થયું છે, તેમાંથી એક આ બાળાને હું માનું છું. આજે તો તે મોટી પ્રઓઢ કુમારિકા છે. આજની તેની માનસિક સ્થિતિથી હું પૂરો વાકેફ નથી, પણ મારા અનુભવોમાંનો આ બાલાનો અનુભવ મારે સારુ હમેશાં પુણ્યસ્મરણ રહેશે તેથી હું જે જાણું છું તે ન લખું તો હું સત્યનો દ્રોહી બનું.

તેણે કામ કરવામાં નથી રાતનો કે નથી દિવસનો ભેદ જાણ્યો. તે અધરાત મધરાત એકલી ગમે ત્યાં જવાનું હોય તોયે ચાલી જાય, ને હું જો કોઈને તેની સાથે મોકલવાનું ધારું તો તે મારી સામે રાતી આંખ કરે. હજારો દાઢીવાળા હિંદીઓ પણ તેને માનની નજરથી જોતા ને તેનું વચન ઝીલતા. જ્યારે અમે બધા જેલમાં હતા, જવાબદાર પુરુષ ભાગ્યે કોઈ બહાર હતો, ત્યારે તે એકલી આખી લડતને સંભાળી રહી હતી. લાખોના હિસાબ તેના હાત્મમાં, બધો પત્રવ્યવહાર તેના હાથમાં, ને ’ઇંડિયન ઓપીનિયન’ પણ તેના હાથમાં, એવી સ્થિતિ હતી. પણ તેને થાક નહોતો લાગ્યો.

મિસ શ્લેશિન વિષે લખતાં હું થાકું તેમ નથી. પણ ગોખલેનું