પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમાંથી ટીકા કરવાનું બહુ ઓછું મળી શકતું. હું જાણું છું કે એના લખાણો ટીકાકારને પોતાની કલમ ઉપર અંકુશ મેલવા ફરજ પાળતાં. એ છાપાં વિના સત્યાગ્રહની લડત ન ચાલી શકત. વાંચનાર વર્ગ એ છાપાને પોતાનું સમજી તેમાંથી લડતનું ને દક્ષિણ આફ્રિકાના હિંદીઓની હાલતનું ખરું ચિત્ર મેળવતો.

આછાપા વાટે રંગબેરંગી મનુષ્ય સ્વભાવને જાણવાનું મને બહુ મળ્યું. તંત્રી અને ગ્રાહકની વચ્ચે નિકટ ને સ્વચ્છ સંબંધ બાંધવાની જ ધારણા હોવાથી મારી પાસે હ્રુદય ઠાલવનારા કાગળોના ઢગલા થતા.તેમાં તીખાં, કડવાં, મીઠાં એમ ભાતભાતનાં લખાણો મારી પાસે આવે. તે વાંચવાં, વિચારવાં, તેમામ્થી વિચારોનું તારણ કરી જવાબ આપવા, એ મારે સરુ ઉતમ શિક્ષણ થઈ પડ્યુ.તે વાટે હું કોમમાં ચાલતી વાતો ને વિચારો કેમ જાણે સાંભળતો હોઉં નહીં, એવો અનુભવ મને થયો. તંત્રીની જવાબદારી હું સારી પેઠે સમજતો થયો, ને મને કોમના માણસો ઉપર જે કાબૂ મલ્યો તેથી ભવિષ્યમાં થનારી લડત શક્ય હોઈ, શોભી ને તેને જોર મળ્યું.

વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ એ હું 'ઈંડિયન ઓપીનિયન'ના પહેલા માસની કારકિર્દીમાંથી જ જોઈ ગયો. વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણી નો ધોધ ગમનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે, તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે. એ અંકુશ બહારથી આવે તો તે નિરંકુશતા કરતાં વધારે ઝેરી નીવડે છે. અંદરનો અંકુશ જ લાભદાયી હોઈ શકે.

આ વિચારસરણી સાચી હોય તો દુનિયાનાં કેટલાં વર્તમાનપત્રો નભી શકે? પણ નકામાંને બંધ કોણ કરે? કોણ કોને નકામું ગણે? કામનું ને નકામું સાથે સાથે જ ચાલ્યા કરવાનાં. તેમાંથી મનુષ્યે પોતાની પસંદગી કરવાની રહી.