પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૧૪. ‘કુલી લોકેશન’ એટલે ઢેડવાડો ?

હિંદુસ્તાનમાં આપણી મોટામાં મોટી સમાજસેવા કરનારા ઢેડ, ભંગી ઈત્યાદિ જેને અસ્પ્રૂશ્ય ગણીએ છીએ તેને ગામ બહાર નોખા રાખી એ છીએ, ગુજરાતીમાં તેમના વાસને ઢેડવાડો કહીએ છીએ, ને તે નામ લેતાં સુગાઈએ છીએ. આ જ પ્રમાણે ખ્રિસ્તી યુરોપમાં એક જમાનામાં યહૂદીઓને અસ્પ્રુશ્ય ગણતા ને તેમને સારુ જે ઢેડવાડો વસાવવામાં આવતો તેનું નામ 'ઘેટો' કહેવાતું.તે અપશુકનિયું ગણાતું. આ જ પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં આપણે હિંદીઓ ત્યાંના ઢેડ બન્યા છીએ. એન્દ્રૂઝના આપભોગથી ને શાસ્ત્રીજીની જાદુઇ લાકડીથી આપણી શુદ્ધિ થશે અને પરિણામે આપણે ઢેડ મટી સભ્ય ગણાઇશું કે નહીં તે હવે જોવાનું.

હિંદુઓની જેમ યહૂદીઓ પોતાને ઈશ્વરના માનીતા ને બીજાને અણમાનીતા ગણી ને તે ગુનાની શિક્ષા વિચિત્ર રીતે ને અઘટિત રીતે પામ્યા. લગભગ તે જ રીતે હિંદુઓએ પણ પોતાને સંસ્ક્રુત કે આર્ય માની પોતાના જ એક અંગને પ્રાક્રૂત, અનાર્ય કે ઢેડ માન્યું છે. તેના પાપનું ફળ વિચિત્ર રીતે, ને ભલે અણગતતી રીતે, દક્ષિણ આફ્રિકા ઇત્યાદિ સંસ્થાનોમાં તેઓ મેળવી રહ્યા છે, ને તેમાં તેમના પદોશી મુસલમાન, પારસી જેઓ તેમના જ રંગના ને દેશના છે તે પણ સંડોવાયા છે એવી મારી માન્યતા છે.

જોહાનિસબર્ગના લોકેશનને વિષે આ પ્રકરણ રોક્યું છે તેનો કમીક ખ્યાલ વાંચનારને હવે આવશે. આપણે દક્ષિણ આફ્રિકામાં 'કુલી' તરીકે 'પંકાયેલા' છીએ. 'કુલી' શબ્દનો અર્થ અહીં તો માત્ર મજૂર કરીએ છીએ. પણ દક્ષિણ આફ્રિકામાં થતો તે શબ્દનો અર્થ ઢેડ, પંચમ, ઈત્યાદિ તિરસ્કારવાચક શબ્દોથી જ સૂચવી શકાય. દક્ષિણ આફ્રિકામાં જે સ્થાન 'કુલી'ઓને રહેવા માટે નોખું રાખવામાં આવે છે તે 'કુલી લોકેશન' કહેવાય છે. આવું લોકેશન જોહાનિસબર્ગમાં હતું. બીજી બધી જગ્યાએ જે 'લોકેશન' રાખવામાં આવ્યાં હતાં ને હજુ છે ત્યાં હિંદીઓને કશો માલકીહક નથી હોતો . પણ આ જોહાનિસબર્ગના લોકેશનમાં જમીનનો નવાણું વર્ષનો પટ્ટો અપાયો હતો. આમાં હિંદીઓની વસ્તી ખીચોખીચ હતી. વસ્તી વધે પણ લોકેશન વધે તેમ નહોતું. તેનાં પાયખાનાં જેમ તેમ