પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાફ થતાં ખરાં, પણ આ ઉપરાંત કશી જ વધારે દેખરેખ મ્યુનિસિપાલિટી તરફથી નહોતી થતી. ત્યાં સડક કે દીવાબત્તી તો હોય જ શેનાં? આમ જ્યાં લોકોની શૌચાદિને લગતી રહેણી વિષે પણ કોઈને દરકાર નહોતી ત્યાં સફાઈ ક્યાંથી હોય? જે હિંદીઓ ત્યાં વસતા હતા તે કંઈ શહેરસુધરાઇ, આરોગ્ય ઇત્યાદિના નિયમો જાણનારા સુશિક્ષિત આદર્શ હિંદુઓ નહોતા કે તેમને મ્યુનિસિપાલિટીની મદદની કે તેમની રહેણી ઉપર તેની દેખરેખની જરૂર ન હોય.જંગલમાં મંગળ કરી શકે, ધૂળમાંથી ધાન કરી શકે એવા એવા હિંદીઓ ત્યાં ત્યાં જઈ વસ્યા હોત તો તેમનો ઈતિહાસ જુદો જ હોત. આવા સંખ્યાબંધ લોકો દુનિયામાં ક્યાંય પરદેશ ખેડતા જોવામં નથી આવતા. સામાન્ય રીતે લોકો ધન અને ધંધાને અર્થે પરદેશ ખેડે છે. હિંદુસ્તાનથી તો મુખ્ય ભાગ ઘણા અભણ, ગરીબ, દીનદુ:ખી મજૂરોનો જ ગયો. આને તો ડગલે ડગલે રક્ષાની જરૂર હતી. તેમની પાછળ વેપારી ને બીજા સ્વતંત્ર હિંદીઓ ગ્યા તે તો ખોબા જેટલા હતા.

આમ સફાઈની રક્ષા કરનાર ખાતાની અક્ષમ્ય ગફલતથી ને હિંદી રહેવાસીઓના અગ્નાનથી લોકેશનની સ્થિતિ આરોગ્યદ્રષ્ટિએ અવસ્ય ખરાબ હતી. તેને સુધારવાની જરા પણ યોગ્ય કોશિશ સુધરાઈ ખાતાએ ન જ કરી. પણ પોતાના જ દોષથી ઉત્પન્ન થયેલી ખરાબીને નિમિત કરીને મજકૂર લોકેશનનો નાશ કરવાનો નિશ્વય તે ખાતાએ કર્યો, ને તે જમીનનો કબજો લેવાની સત્તા ત્યાંની ધારાસભા પાસેથી મેળવી. હું જ્યારે જોહાનિસબર્ગમાં જઈ વસ્યો ત્યારે આ સિથતિ વર્તતી હતી.

રહેનારાઓ પોતાની જમીનના ધણી હતા, એટલે તેમને કંઈક નુકશાની તો આપવી જ જોઈએ. નુકશાનીની રકમ ઠરાવવાને સારુ ખાસ અદાલત બેઠી હતી. મ્યુનિસિપાલિટી જે રકમ આપવા તૈયાર થાય તે જો ઘરધણી ન સ્વીકારે તો મજકૂર અદાલત જે ઠરાવે તે મળે. જો મ્યુનિસિપાલિટીએ કહેલા કરતાં અદાલત વધારે ઠરાવે તો ઘરધણીના વકીલનો ખર્ચ મ્યુનિસિપાલિટી ચૂકવે એવો કાયદો હતો.

આમાંના ઘણાખરા દાવાઓમાં ઘરધણીઓએ મને રોક્યો હતો. મારે આમાંથી પૈસા પેદા કરવાની ઇચ્છા નહોતી. મેં તેમને કહી દીધું હતું: 'જો તમે જીતશો તો જે કેટલુંક ખર્ચ મ્યુનિસિપાલિટી તરફથી મળશે