પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેટલાથી હું સંતોષ માનીશ. તમારે તો હાર થાય કે જીત, મને પટ્ટા દીઠ દશ પાઉંડ આપવા એટલે બસ થશે'. આમાંથી પણ અરધોઅરધ રકમ ગરીબોને માટે ઈસ્પિતાલ બાંધવાને કે એવા કોઈ સાર્વજનિક કામમાં વાપરવા સારુ નોખી રાખવાનો ઇરાદો મેં તેમને જણાવ્યો. સ્વાભાવિક રીતે આથી બધા બહુ રાજી થયા.

લગભગ સિત્તેર કેસમાંથી એકમાં જ હાર થઈ. એટલે મારી ફીની રકમ મોટી થઈ પડી. પણ તે જ વેળા 'ઈંદિયન ઓપીનિયન'ની માગણી તો મારી ઉપર ઝઝૂમી જ રહી હતી, એટલે લગભગ ૧૬૦૦ પાઉંડનો ચેક તેમાં જ ચાલ્યો ગયો એવો મને ખ્યાલ છે.

આ દાવાઓમાં મારી માન્યતા પ્રમાણે મારી મહેનત સરસ હતી. અસીલોની તો મારી પાસે ગિરદી જ રહેતી. આમાંના લગભગ બધા, ઉત્તર તરફના બિહાર ઈત્યાદિથી અને દક્ષિણ તરફના તામિલ, તેલુગુપ્રદેશથી, પ્રથમ બંધણીથી આવેલા ને પછી મુક્ત થયે સ્વતંત્ર ધંધો કરનારા હતા.

આ લોકોએ પોતાના ખાસ દુ:ખો મટાડવા સારુ સ્વતંત્ર હિંદી વેપારી વર્ગના મંડળથી અલગ એક મંડળ રચ્યું હતું. તેમાં કેટલાક બહુ નિખાલસ દિલના, ઉદાર ભાવનાવાળા ને ચારિત્ર્યવાન હિંદીઓ પણ હતા. તેના પ્રમુખનું નામ શ્રી જેરામસિંહ હતું. ને પ્રમુખ નહીં છતાં પ્રમુખ જેવા જ બીજાનું નામ શ્રી બદ્રી હતું. બંનેનો દેહાંત થઈ ગયો છે. બંને તરફથી મને અતિશય મદદ મળી હતી. શ્રી બદ્રીના પરિચયમાં હું બહુ જ વધારે આવેલો ને તેમણે સત્યાગ્રહમાં મોખરે ભાગ લીધો હતો. આ અને આવા ભાઈઓની મારફતે હું ઉત્તર દક્ષિણના સંખ્યાબંધ હિંદીઓના ગાઢ સં બંધમાં આવ્યો, અને તેમનો વકીલ જ નહીં પણ ભાઈ જ થઈને રહ્યો. અને તેમના ત્રણે પ્રકારનાં દુ:ખમાં હું ભાગીદાર બન્યો.શેઠ અબદુલ્લાએ મને 'ગાંધી' તરીકે ઓળખવા ઈન્કાર કર્યો. 'સાહેબ' તો મને કહે કે ગણે જ કોણ? તેમણે અતિશય પ્રિય નામ શોધ્યું. મને તેઓ 'ભાઈ' કહી બોલાવવા લાગ્યા. તે નામ આખર લગી દક્ષિણ આફ્રિકામાં રહ્યું. પણ આ ગિરમીટમુક્ત હિંદીઓ જ્યારે મને 'ભાઈ કહી બોલાવતા ત્યારે તેમાં મને ખાસ મીઠાશ લાગતી.