પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ કહેવાય કે મારું પુસ્તકોનું જ્ઞાન ઘણું જ થોડું છે. આ અનાયાસે અથવા પરાણે પળાયેલા સંયમથી મને નુકશાન નથી થયું એમ હું માનું છું. પણ જે થોડાં પુસ્તકો વાંચ્યા છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય. એવાં પુસ્તકોમાં જેણે મારી જિંદગીમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો એવું તો આ પુસ્તક જ કહેવાય. તેનો મેં પાછળથી તરજુમો કર્યો, ને તે 'સર્વોદય'ને નામે છપાયેલું છે.

મારી એવી માન્યતા છે કે જે વસ્તુ મારામાં ઊંડે ભરેલી હતી તેનું સ્પષ્ટ પ્રતિબિંબ મેં રસ્કિનના આ ગ્રંથરત્નમાં જોયું, ને તેથી તેણે મારી ઉપર સામ્રાજ્ય જમાવ્યું ને તેમાંના વિચારોનો અમલ મારી પાસે કરાવ્યો. આપણામાં જે સારી ભાવનાઓ સૂતેલી હોય તેને જાગ્રત કરવાની શક્તિ જે ધરાવે તે કવિ છે. બધા કવિની બધા ઉપર સરખી અસર નથી થતી, કેમ કે બધામાં બધી સારી ભાવનાઓ એકસરખા પ્રમાણમાં હોતી નથી.

'સર્વોદય'ના સિદ્ધાંતો હું આમ સમજ્યો :
૧. બધાના ભલામાં આપણું ભલું રહેલુ છે.
૨. વકીલ તેમ જ વળંદ બંનેના કામની કિંમત એકસરખી હોવી જોઈએ, કેમ કે આજીવિકાનો હક બધાને એકસરખો છે.
૩. સાદું મજૂરીનું, ખેડૂતનું જીવન જ ખરું જીવન છે.

પહેલી વસ્તુ હું જાણતો હતો. બીજી હું ઝાંખી જોતો હતો. ત્રીજીનો મેં વિચાર જ નહોતો કર્યો. પહેલીમાં બીજી બંને સમાયેલી છે એમ મને 'સર્વોદયે' દીવા જેવું દેખાડ્યું. સવાર થયું ને હું તેનો અમલ કરવાના પ્રયત્નમાં પડ્યો.


૧૯. ફિનિક્સની સ્થાપના

સવારે પ્રથમ તો મેં વેસ્ટની સાથે વાત કરી. ’સર્વોદય’ની મારા ઉપર થયેલી અસર મેં તેમને કહી સંભળાવી, ને સૂચવ્યું કે ’ઈંડિયન ઓપીનિયન’ને એક ખેતર ઉપર લઈ જવું. ત્યાં સહુ એકસરખો ખાધાખરચ પૂરતો ઉપાડ કરે, સહુ પોતાની ખેતી કરે, અને બચવા વખતમાં ’ઈંડિયન ઓપીનિયન’નું કામ કરે. વેસ્ટે એ સૂચનાનો સ્વીકાર કર્યો. દરેકનું ખાધાખરચ ઓછામાં ઓછું ત્રણ પાઉંડ થાય એવી ગણતરી કરી. આમાં ગોરાકાળાનો ભેદ