પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નહોતો રાખવામાં આવ્યો.

પણ પ્રેસમાં તો દશેક કામ કરનાર હતા. બધાને જંગલમાં વસવું અનુકૂળ આવે કે નહીં એ એક સવાલ હતો, અને બધા એકસરખો ખાવા પહેરવા જોગો જ ઉપાડ કરવા તૈયાર થાય કે નહીં એ બીજો સવાલ હતો. અમે બંનેએ તો એવો નિશ્ચય કર્યો કે, જે આ યોજનામાં દાખલ ન થઈ શકે તે પોતાનો પગાર ઉપાડે; ધીમે ધીમે બધા સંસ્થાવાસી થઈને રહે એ આદર્શ રાખવો.

આ દ્રષ્ટિએ મેં કામદારોમાં વાત શરૂ કરી. મદનજિતને તો તે ગળે ન જ ઊતરી. તેમને ધાસ્તી લાગી કે, જે વસ્તુમાં તેમણે પોતાનો આત્મા રેડ્યો હતો તે મારી મૂર્ખાઈથી એક માસમાં ધૂળધાણી થઈ જવાની, ’ઈંડિયન ઓપીનિયન’ નહીં ચાલે, પ્રેસ પણ નહીં ચાલે, ને કામદારો ભાગી જશે.

મારા ભત્રીજા છગનલાલ ગાંધી આ પ્રેસમાં કામ કરતા હતા. તેમને પણ મેં વેસ્ટની સાથે જ વાત કરી. તેમને કુંટુંબનો બોજો હતો. પણ બચપણથી જ તેમણે મારી નીચે તાલીમ લેવાનું ને કામ કરવાનું પસંદ કર્યુ હતું. મારા પર તેમનો બહુ વિશ્વાસ હતો. એટલે દલીલ વગર તે તો ભળ્યા ને આજ લગી મારી સાથે જ છે.

ત્રીજા ગોવિંદસામી કરીને મશીનિયર હતા. તે પણ ભળ્યા. બીજાઓ જોકે સંસ્થાવાસી ન થયા, પણ તેમણે હું પ્રેસને જ્યાં લઈ જાઉં ત્યાં આવવા કબૂલ કર્યુ.

આમ કામદારોની જોડે વાતચીતમાં બેથી વધારે દિવસ ગયા હોય એમ મને યાદ નથી. તુરત મેં છાપામાં ડરબનની નજીક કોઈ પણ સ્ટેશન પાસે જમીનના ટુકડાને સારુ જાહેરખબર મૂકી. જવાબમાં ફિનિક્સની જમીનનું કહેણ આવ્યું. વેસ્ટ ને હું તે જોવા ગયા. સાત દિવસની અંદર ૨૦ એકર જમીન લીધી. તેમાં એક નાનકડો પાણીનો ઝરો હતો. કેટલાંક નારંગીનાં ને કેરીનાં ઝાડ હતાં. જોડે જ ૮૦ એકરનો બીજો એક કકડો હતો. તેમાં વિશેષ ફળઝાડ ને એક ઝૂંપડું હતું. તે પણ થોડા દિવસ બાદ ખરીધો. બેઉના મળીને ૧,૦૦૦ પાઉંડ આપ્યા.

શેઠ પારસી રુસ્તમજી મારાં આવાં બધાં સાહસોના ભાગીદાર હોય જ. તેમને મારી આ યોજના ગમી. એક મોટા ગોડાઉનનાં પતરાં વગેરે