પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તેમની પાસે પડ્યાં હતાં તે તેમણે મફત આપ્યાં. તે વડે બાંધકામ શરૂ કર્યું. કેટલાક હિંદી સુતારો ને સલાટો મારી સાથે લડાઈમાં આવેલા તેમાંના મળી આવ્યા. તેમની મદદથી કારખાનું બાંધવાનું શરૂ કર્યું. એક માસમાં મકાન તૈયાર થયું. તે ૭૫ ફૂટ લાંબું ને ૫૦ ફૂટ પહોળું હતું. વેસ્ટ વગેરે શરીરને જોખમે કડિયા સુતાર સાથે વસ્યા.

ફિનિક્સમાં ઘાસ ખૂબ હતું, વસ્તી મુદ્લ નહોતી. તેથી સર્પોનો ઉપદ્રવ હતો તે જોખમ હતું. પ્રથમ તો સહુ તંબૂ તાણીને રહેલા.

મુખ્ય મકાન તૈયાર થયું એટલે એક અઠવાડિયામાં ઘણોખરો સામાન ગાડાવાટે ફિનિક્સ લઈ ગયા. ડરબન ને ફિનિક્સ વચ્ચે તેર માઈલનું અંતર હતું. ફિનિક્સ સ્ટેશનથી અઢી માઈલ છેટું હતું.

માત્ર એક જ અઠવાડિયું ’ઈંડિયન ઓપીનિયન’ મકર્યુરી પ્રેસમાં છપાવવું પડ્યું.

મારી સાથે જે જે સગાઓ વગેરે આવેલા ને વેપારમાં વળગી ગયા હતા તેમને મારા મતમાં ભેળવવાનો ને ફિનિક્સમાં દાખલ કરવાનો પ્રયત્ન મેં આદર્યો. આ બધા તો દ્રવ્ય એકઠું કરવાની હોંશે દક્ષિણ આફ્રિકા આવેલા. તેમને સમજાવવાનું કામ મુશ્કેલ હતું. પણ કેટલાક સમજ્યા. આ બધામાંથી અત્યારે મગનલાલ ગાંધીનું નામ હું તારવી કાઢું છું. કેમ કે બીજા જે સમજ્યા તે થોડોઘણો વખત ફિનિક્સમાં રહી પાછા દ્રવ્યસંચયમાં પડ્યા. મગનલાલ ગાંધી પોતાનો ધંધો સંકેલી મારી સાથે આવ્યા ત્યારથી તે રહ્યા જ છે; ને પોતાના બુધ્ધિબળથી, ત્યાગશક્તિથી ને અનન્ય ભકિતથી મારા આંતરિક પ્રયોગોમાંના મારા મૂળ સાથીઓમાં આજે પ્રધાનપદ ભોગવે છે, ને સ્વયંશિક્ષિત કારીગર તરીકે તેઓમાં મારી દ્રષ્ટિએ અદ્વિતીય સ્થાન ભોગવે છે.

આમ ૧૯૦૪ની સાલમાં ફિનિક્સની સ્થાપના થઈ, અને વિટંબણાનો છતાં ફિનિક્સ સંસ્થા તેમ જ ’ઈંડિયન ઓપીનિયન’ બન્ને હજુ નભી રહ્યાં છે. પણ આ સંસ્થાની આરંભની મુસીબતો ને તેમાં થયેલી આશાનિરાશાઓ તપાસવા લાયક છે. તે બીજા પ્રકરણમાં વિચારશું.