પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે? આપણે છીએ તેટલાથી એ ઘોડો ન ચાલે. તેને ચલાવવાને સારુ વારાફરતી ચાર ચાર માણસ જોઈએ. આપણે તો બધા થાક્યા છીએ.’

સુતારી કામ તો બધું પૂરું નહોતું થયું. તેથી સુતારો હજુ ગયા નહોતા. તેઓ છાપખાનામાં જ સૂતા હતા. તેમને ચીંધીને મેં કહ્યું : ’પણ આ બધા મિસ્ત્રીઓ છે એનું શું ? ને આજની રાતને સારુ આપણે બધા અખંડ ઉજાગરો કરશું. આટલું કર્તવ્ય બાકી રહે છે એમ મને લાગે છે.’

’મિસ્ત્રીઓને ઉઠાડવાની ને તેમની મદદ માગવાની મારી હિંમત નથી, ને આપણે થાકેલા માણસોને પણ કેમ કહેવાય ?

’એ મારું કામ ,’ મેં કહ્યું.

’તો સંભવ છે કે આપણે પહોંચી વળીએ.’

મેં મિસ્ત્રીઓને જગાડયા ને તેમની મદદ માગી. મારે તેમને વીનવવા ન પડ્યા. તેમણે કહ્યું: ’આવે ટાણે અમે કામ ન આવીએ તો અમે માણસ શેના ? તમે આરામ લો. અમે ઘોડો ચલાવી દઈશું. અમને એમાં મહેનત લાગે તેમ નથી.’

છાપખાનાના જણ તો તૈયાર હતા જ.

વેસ્ટના હર્ષનો પાર ન રહ્યો. તેમણે કામ કરતાં ભજન શરૂ કર્યું. ઘોડો ચલાવવામાં મિસ્ત્રીઓની સામે હું ઊભો ને બીજા બધા વારાફરતી ઊભા. કામ નીકળવા માંડ્યું.

સવારના સાતેક વાગ્યા હશે. મેં જોયું કે હજુ કામ સારી પેઠે બાકી હતું. વેસ્ટને કહ્યું : ’હવે ઈજનેરને જગાડી ન શકાય ? દિવસના અજવાળામાં પાછી મહેનત કરે ને કદાચ એંજિન ચાલે તો આપણું કામ વખતસર પૂરું થઈ જાય.’

વેસ્ટે ઈજનેરને ઉઠાડ્યો. તે તુરત ઊઠી નીકળ્યો ને એંજિનની કોટડીમાં પેંઠો. શરૂ કરતાં જ એંજિન ચાલવા માંડ્યું. પ્રેસ ખુશીના પોકારથી ગાજી ઊઠ્યું. ’આમ કેમ થતું હશે ? રાત્રે આટઆટલી મહેનત કર્યા છતાં ચાલ્યું નહીં, ને હવે કેમ જાણે કંઈ દોષ ન હોય એમ ચલાવતાં જ ચાલવા લાગ્યું ?’

વેસ્ટે કે ઈજનેરે જવાબ આપુયો : ’એનો ઉતર આપવો મુશ્કેલ છે. યંત્રોને પણ કેમ જાણે આપણી પેઠે આરામ જોઈતો હોય નહીં, એવી