પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

રીતે કેટલીક વેળા તેઓ વર્તતા જોવામાં આવે છે !’

મેં તો માન્યું કે આ એંજિનનું ન ચાલવું એ અમારી બધાની કસોટી હતી, ને તેનું અણીને સમયે ચાલવું શુધ્ધ મહેનતતું શુભ ફ્ળ હતું.

છાપું નિયમસર સ્ટેશને પહોંચ્યું, ને બધા નિશ્ચિંત થયા.

આવા આગ્રહને પરિણામે છાપાની નિયમિતતાની છાપ પડી ને ફિનિક્સમાં મહેનતનું વાતાવરણ જામ્યું. આ સંસ્થામાં એવો પણ એક યુગ આવ્યો કે જ્યારે એંજિન ચલાવવાનું ઈરાદાપૂર્વક બંધ કરવામાં આવેલું ને દ્ઢતાપૂર્વક ઘોડાથી જ કામ ચલાવતા. ફિનિક્સનો આ ઊંચામાં ઊંચો નૈતિક કાળ હતો એવી મારી માન્યતા છે.


૨૧. પોલાકે ઝંપલાવ્યું

ફિનિક્સ જેવી સંસ્થા સ્થપાયા પછી હું પોતે તેમાં થોડો જ સમય વસી શક્યો એ મને હમેશા દુ:ખની વાત રહી છે. એની સ્થાપના વખતે મારી કલ્પના એ હતી કે હું પણ ત્યાં જ વસીશ, મારી આજીવિકા તેમાંથી મેળવીશ, ધીમે ધીમે વકીલાત છોડીશ, ફિનિક્સમાં પડ્યો જે સેવા થઇ શકશે તે કરીશ ને ફિનિક્સની સફળતા એ જ સેવા ગણીશ. પણ આ વિચારોનો ધારેલો અમલ તો ન જ થયો. એવું મારા અનુભવમાં મેં ઘણી વાર જોયું છે કે આપણે ઇચ્છીએ કંઇ ને થાય કંઇ બીજું જ. પણ મેં સાથે સાથે એ પણ અનુભવ્યું છે કે, જ્યાં સત્યની જ સાધના ને ઉપાસના છે ત્યાં આપણી ધારણાઓ પ્રમાણે ભલે પરિણામ ન આવે, તોપણ અણધારેલું આવે તે પરિણામ અકુશલ નથી હોતું ને કેટલીક વેળા ધાર્યા કરતાં વધારે સારું હોય છે. ફિનિક્સમાં જે અણધાર્યાં પરિણામો આવ્યાં ને ફિનિક્સે જે અણધાર્યું સ્વરૂપ પકડ્યું તે અકુશકલ નહોતાં તો હું નિશ્ચયપૂર્વક કહી શકું છું. વધારે સારાં કહેવાય કે નહીં એ વિષે નિશ્ચયપૂર્વક નથી કહી શકાતું.

અમે બધા જાતમહેનતથી નીભશું એ ધારણાથી મુદ્રણાલયની આસપાસ દરેક નિવાસીને સારુ ત્રણ ત્રણ એકરના જમીનના ટુકડા પાડ્યા. આમાં એક ટકુડો મારે નિમીત્તે પણ મપાયો. તે બધા ઉપર અમારી બધાની ઇચ્છા વિરુદ્ધ અમે પતરાંનાં ઘર બાંધ્યાં. ઇચ્છા તો ખેડૂતને શોભે એવાં