પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘાસમાટીનાં અથવા ઇંટનાં ખોરડાં બાંધવાની હતી. તે ન થઇ શક્યું . તેમાં વધારે પૈસાનો વ્યય થતો હતો, વધારે વખત જતો હતો. બધા ઝટ ઘરબારવાળા થવા ને કામમાં પરોવાઇ જવા આતુર હતા.

સંપાદક તરીકે તો મનસુખલાલ નાજર જ ગણાતા હતા. તે આ યોજનામાં દાખલ નહોતા થયા. તમેનું રહેઠાણ ડરબનમાં જ હતું. ડરબનમાં 'ઇંડિયન ઓપીનિયન'ની એક નાનકડી શાખા પણ હતી.

બીબાં ગોઠવવાને સારુ જોકે પગારદાર માણસો હતા, છતાં દૃષ્ટિ એ હતી કે છાપું છાપવાની ક્રિયા, જે વધારે વખત રોકનારી પણ સહેલી હતી, તે બધા સંસ્થાવાસીઓએ જાણી લેવી અને કરવી. આથી જે નહોતા જાણતા તે તૈયાર થયા. હું આ કામમાં છેવટ લગી સૌથી વધારે ઠોઠ રહ્યો, અને મગનલાલ ગાંધી સૌથી આગળ વધી ગયા. તેમને પોતાને પણ પોતાનામાં રહેલી શક્તિની ખબર નહીં હોય એમ મેં હમેશાં માન્યું છે. છાપખાનાનું કામ કદી કરેલું જ નહીં, છતાં તે કુશળ બીબાં ગોઠવનાર થઈ ગયા ને ઝડપમાં પણ સરસ પ્રગતિ કરી, એટલું જ નહીં પણ થોડા સમયમાં છાપખાનાની બધી ક્રિયાઓ ઉપર સારો કાબૂ મેળવી મને આશ્ચર્યચક્તિ કર્યો.

આ કામ હજુ ઠેકાણે તો પડ્યું જ નહોતું, મકાનો પણ તૈયાર નહોતાં થયા, તેટલામાં આ નવા રચાયેલા કુટુંબને મૂકીને હું જોહાનિસબર્ગ નાઠો. ત્યાનું કામ લાંબી મુદતને સારુ પડતું મેલી શકું એવી મારી સ્થિતિ નહોતી.

જોહાનિસબર્ગથી[૧] આવીને પોલાકને આ મહત્વના ફેરફારની વાત કરી. પોતે આપેલા પુસ્તકનું આ પરિણામ જોઇ તેમના આનંદનો પાર ન રહ્યો. 'ત્યારે હું પણ આમાં કોઇ રીતે ભાગ ન લઇ શકું ?' તેમણે ઊમળકાભેર પૂછ્યું.

મેં કહ્યું, 'અવશ્ય તમે ભાગ લઇ શકો છો. ઇચ્છો તો તમે આ યોજનામાં જોડાઇ શકો છો.'

'મને દાખલ કરો તો હું તૈયાર જ છું.' પોલાકે જવાબ આપ્યો.

  1. અહીં 'જોહાનિસબર્ગથી'ને બદલે 'જોહાનિસબર્ગ' જોઇએ. અત્યાર સુધીની ગુજરાતી આવૃત્તિમાં આ ભૂલ ચાલતી આવી છે. પહેલેથી અંગ્રેજી તરજુમામાં એ શ્રી મહાદેવભાઈએ સુધારી લીધી હતી.