પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ દૃઢતાથી હું મુગ્ધ થયો. પોલાકે 'ક્રિટિક'માંથી પોતાને મુક્ત કરવા શેઠને એક માસની નોટિસ આપી અને મુદત વીત્યે ફિનિક્સમાં પહોંચી ગયા. પોતાના મિલનસારપણાથી તેમણે સૌનાં દિલ હરી લીધાં, ને કુટુંબના જણ તરીકે તે રહી ગયા. સાદાઇ તેમના હાડમાં હતી એટલે તેમને ફિનિક્સનું જીવન જરાયે નવાઇ જેવું કે કઠિન ન લાગતાં સ્વાભાવિક ને રુચિકર લાગ્યું.

પણ હું તેમેન ત્યાં લાંબો વખત રાખી ન શક્યો. મિ. રીચે કાયદાનો અભ્યાસ વિલાયતમાં પૂરો કરવાનો નિશ્ચય કર્યો. એકલે હાથે મારાથી આખી ઓફિસનો બોજો ઊંચકી શકાય તેમ નહોતું. તેથી મેં પોલાકને ઓફિસમાં રહેવાનું ને વકીલ થવાનું સૂચવ્યું. મારા મનમાં એમ હતું કે તેમના વકીલ થયા પછી છેવટે અમે બન્ને ફિનિક્સમાં જ પહોંચી જઇશું.

આ બધી કલ્પનાઓ ખોટી પડી. પણ પોલાકના સ્વભાવમાં એક પ્રકારની એવી સરળતા હતી કે જેની ઉપર તેમનો વિશ્વાસ બેસે તેની સાથે દલીલ ન કરતાં તેના અભિપ્રાયને અનુકૂળ થવાનો તે પ્રયત્ન કરે. પોલાકે મને લખ્યું: 'મને તો આ જીવન જ ગમે છે. હું અહીં સુખી છું. અને આ સંસ્થાને આપણે ખીલવી શકીશું. પણ જો તમે એમ માનો કે મારા ત્યાં આવવાથી આપણા આદર્શો વેલા સફળ થશે તો હું આવવા તૈયાર છું.' મેં આ કાગળ વધાવી લીધો. પોલાક ફિનિક્સ છોડીને જોહાનિસબર્ગ આવ્યા ને મારી ઓફિસમાં વકીલાતી કારકુન તરીકે જોડાયા.

આ જ સયમાં એક સ્કોચ થિયોસોફિસ્ટ, જેને હું કાયદાની પરીક્ષાને સારુ તૈયાર થવામાં મદદ કરતો હતો, તેને પણ મેં પોલાકનું અનુકરણ કરવા નિમંત્રણ આપ્યું ને તે જોડાયો. અને જો ઇશ્વરી સંકેત જુદો જ ન હોત તો સાદા જીવનને બહાને પાથરેલી મોહજાળમાં હું પોતે જ ફસાઇ જાત.

અમારી કોઇની પણ ધારણા બહાર મારી તેમ જ મારા આદર્શની રક્ષા કેવી રીતે થઇ એ બનાવને પહોંચતાં પહેલાં કેટલાંક પ્રકરણો જશે.