પૃષ્ઠ:Atmakatha-gandhiji.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૨૨. ‘જેને રામ રાખે’

હવે તુરતમાં દેશ જવાની અથવા તો ત્યાં જઇને સ્થિર થવાની આશા મેં છોડી હતી. હું તો પત્નીને એક વર્ષની ધીરજ દઇને દક્ષિણ આફ્રિકા પાછો આવ્યો હતો. વર્ષ તો વીત્યું ને મારું પાછું ફરવાનું દૂર થયું, તેથી છોકરાંને બોલાવવાનો નિશ્ચય કર્યો.

છોકરાં આવ્યાં. તેમાં મારો ત્રીજો દીકરો રામદાસ પણ હતો. તે રસ્તે સ્ટીમરના નાખુદાની સાથે ખૂબ હળી ગયો હતો, ને તેની સાથે રમતાં તેનો હાથ ભાગ્યો હતો. કપ્તાને તેની બરદાસ ખૂબ કરી હતી. દાક્તરે હાડકું સાંધ્યું હતું, ને જ્યારે તે જોહાનિસબર્ગ પહોંચ્યો ત્યારે તેનો હાથ લાકડાની પાટલી વચ્ચે બાંધી રૂમાલની ગળાઝોળીમાં અધ્ધર રાખેલો હતો. સ્ટીમરના દાક્તરની ભલામણ હતી કે જખમ કોઇ દાક્તરની પાસે દુરસ્ત કરાવવો.

પણ મારો આ કાળ તો ધમધોકાર માટીના પ્રયોગો કરવાનો હતો. મારે જે અસીલોને મારા ઊંટવૈદા ઉપર વિશ્વાસ હતો તેમની પાસે પણ હું માટીના ને પાણીના પ્રયોગો કરાવતો. રામદાસને સારુ બીજું શું થાય ? રામદાસની ઉંમર આઠ વર્ષની હતી. 'હું તારા જખમની સારવાર જાતે કરું તો તું ગભરાશે તો નહીં,' એમ મેં તેને પૂછ્યું. રામદાસે હસીને મને પ્રયોગ કરવાની રજા આપી. જોકે એ અવસ્થાએ તેને સારાસારની ખબર ન પડે, તોપણ દાક્તર અને ઊંટવૈદનો ભેદ તો તે સારી પેઠે જાણતો હતો. છતાં તેને મારા પ્રયોગો વિષે ખબર હતી ને મારા ઉપર વિશ્વાસ હતો એટલે તે નિર્ભય રહ્યો.

ધ્રૂજતાં ધ્રૂજતાં મેં તેનો પાટો ખોલ્યો, જખમને સાફ કર્યો, ને સાફ માટીની લોપરી મૂકી જેમ પહેલાં બાંધ્યો હતો તેમ પાટો બાંધી લીધો. આમ હંમેશા હું જાતે જખમ સાફ કરતો ને માટી મૂકતો. મહિના માસમાં જખમ તદ્દન રુઝાઇ ગયો. કોઇ દિવસે કશું વિઘ્ન ન આવ્યું ને દિવસે દિવસે જખમ રૂઝતો ગયો. દાક્તરી મલમપટ્ટીથી પણ એટલો સમય તો જશે જ એમ સ્ટીમરના દાક્તરે કહેરાવ્યું હતું.

આ ઘરગથું ઉપચારો વિષે મારો વિશ્વાસ અને તેનો અમલ કરવાની